અમદાવાદ : AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં આવેલી વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટ ઉપરાંત મીઠાઈ, ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન અનહાઇજેનિક ફૂડ અને લાયસન્સ વગર દુકાન ચલાવતા હોવાથી કુલ 2 ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તા પાસે આવેલી ક્રિષ્ના ભાજીપાવ અને સર્વોત્તમ ફાસ્ટફૂડને સીલ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ વાપરતી દુકાનો ઉપરાંત કેટલીક હોટલો, રેસ્ટોરન્ટો અને દુકાનો લાયસન્સ વગર ચાલતી હોય છે, તેને લઈને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં 417 જેટલી વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ, દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્યચીજોના 89 સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 18 જૂનથી 24 જૂન સુધીમાં શહેરની વિવિધ જગ્યાએથી દૂધ- દૂધની વસ્તુઓ, ડેરી પ્રોડક્ટ- 08 , નમકીન- 10, મસાલા, 11, ખાદ્યતેલના – 06, અન્ય – 46 વગેરેના કુલ 89 નમુના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
છેલ્લા એક સપ્તાહમાં ચેકિંગ દરમિયાન 210 નોટિસ આપી હતી. 312 કિલોગ્રામ અને 290 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 14 જેટલા ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 95,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા આગામી સમયમાં ફૂડ લાયસન્સ રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.