અમદાવાદ : શહેરમાં દરેક વિસ્તારમાં આમ જોવા જઈએ તો અનેક નેશનલાઈઝ અને કો-ઓપરેટીવ બેંકો આવેલી છે. સામાન્ય રીતે કોઈપણ નાગરિક રોજે રોજના વ્યવહાર માટે નેશનલાઈઝ બેંક કરતાં કો-ઓપરેટીવ બેંકને વધારે મહત્વ આપે છે. આવી અનેક કો-ઓપરેટીવ બેંકમાંની એક એટલે કાલુપુર કો-ઓપરેટીવ બેંક.
નવા વાડજમાં 132 ફૂટ રીંગ રોડ પર નીલ કોમ્પ્લેક્સમાં આવેલ કાલુપુર બેંકમાં તા.28-6-23 ને બુધવારના રોજ ગ્રાહકો સાથે છેલ્લામાં છેલ્લી બેન્કિંગ વ્યવસ્થાની સવલતો બાબતે રૂબરૂ માહિતી સેમિનાર રાખવામાં આવ્યો. આ સેમિનારમાં બેંકમાં જમા થયેલ થાપણ તથા બેન્ક દ્વારા આપવામાં આવેલ લોનની વિગત અને તેની સાથે સાથે ઓનલાઇન અને ઇન્ટરનેટ બેન્કિંગ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન નવા વાડજ બ્રાન્ચના મેનેજર કુશભાઈ શાહ અને બેંકના અન્ય ઓફિસરોએ આપી હતી.
આ ઉપરાંત સેમિનારમાં બેંક દ્વારા હોમલોનની સાથે સાથે વિવિધ વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકો માટે આપવામાં આવતી વિશેષ લોનની માહિતી પણ આપવામાં આવી હતી. વાહન લોન, એજ્યુકેશન લોન અને લોન આપવા માટે મેનેજરને અપાયેલ વિશેષ સત્તાની માહિતી પણ બેંકે ગ્રાહકોને આપી હતી. આ સેમિનારમાં ભાગ લેનાર બેંકના ખાતેદારોએ તેમની મૂંઝવણો રજૂ કરતાં, બેંકના સ્ટાફે દરેક પ્રશ્નનો સુયોગ્ય ઉકેલ જણાવ્યો હતો. આ સેમિનારમાં મોટી સંખ્યામાં બેંકના ખાતેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.