અમદાવાદ: રાજ્યમાં લોકોની આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJ) અંતર્ગત નિ:શુલ્ક સારવાર માટે આયુષ્માન કાર્ડ હેઠળ અત્યાર સુધી આરોગ્ય વીમાની રકમનો અત્યારે પાંચ લાખ રૂપિયાનો લાભ મળે છે. આ લાભ 12મી જુલાઇથી ડબલ એટલે કે, 10 લાખ રૂપિયા સુધીનો મળશે. આ માહીતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવતા કહ્યુ કે, આ અંગેનો ઠરાવ તૈયાર છે. 12મી જુલાઇથી ગુજરાતના નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ નિયત હોસ્પિટલોમાં નિ:શુલ્ક ઉપલબ્ધ થશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી. તે મુદ્દાનો ઉકેલ આવી જતા હવે 10 લાખ રૂપિયા સુધીની વીમાની રકમનો લાભ મળતો થશે. આ અંગેનો ઠરાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે.વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કાર્ડમાં વીમાની રકમ 10 લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી દીધી હતી. જે વિધાનસભા સત્રમાં પણ ફરીથી જણાવવામાં આવ્યુ હતુ. જેનો અમલ 12મી જુલાઇથી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આયુષ્માન યોજના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઇ છે. 2018થી 2022 સુધી કુલ 1.67 કરોડ લોકોએ કાર્ડ કઢાવીના આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. રાજ્યમાં 1.8 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે. 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.