અમદાવાદ : ચોમાસાના પ્રારંભમાં જ અમદાવાદમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાઓ શરુ થઇ ગઇ છે. ગઇકાલે મણિનગરમાં સ્લમ કર્વાર્ટ્સમાં બાલ્કની ધરાશાયી થવાની ઘટના બાદ સતત બીજા દિવસે એટલે આજે ગોમતીપુરમાં ક્વાર્ટર્સની સીડીનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. 26 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સલામત રીતે બહાર કઢાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે સાળંગપુર બ્રિજની પાસે ગોમતીપુરમાં આવેલા ક્વાર્ટર્સમાં સીડીનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જે અંગે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડને માહિતી મળી હતી કે ક્વાર્ટર્સની સીડીનો ભાગ ધરાશાયી થતા કેટલાક લોકો ઘરોમાં ફસાઇ ગયા છે. ત્યારે ફાયર વિભાગ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયુ હતુ. ફાયર વિભાગે રેસ્ક્યૂ લેડર દ્વારા 26 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સલામત રીતે બહાર કઢાયા હતા.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઇ જાનહાની કે કોઇ ઇજાગ્રસ્ત થયુ નથી. જો કે ઘટના બન્યા બાદ લોકો પોતાનો સામાન લઇને ઘર ખાલી કરી રહ્યા છે. જાણકારી મળી છે કે આ ક્વાર્ટર્સમાં 30 વર્ષ જૂના મકાનો છે. જે ખૂબ જ જર્જરિત છે. જે દર વર્ષે વરસાદમાં ધોવાતા રહે છે. ખાસ કરીને જે બ્લોકની ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે તે C બ્લોકમાં 32 મકાન આવેલા છે. તે તમામની હાલત આવી જ જર્જરિત છે.