અમદાવાદ : ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને આખરે નવા કુલપતિ મળી ગયા છે. ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ હિમાંશુ પંડયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આજે નવા કુલપતિની શોધ પૂર્ણ થઈ છે. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો.નીરજા ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. નીરજા ગુપ્તા હાલ મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત છે.
ગુજરાત યુનિવર્સિટીના સ્થાપનાના 73 વર્ષે મહિલા કુલપતિની નિમણૂંક કરવામાં આવી છે. ડો. નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય અને ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડીકેટ સભ્ય રહી ચુક્યા છે. નીરજા ગુપ્તા ઇંગ્લિશ વિષયના પ્રોફેસર તેમજ ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનના પણ સભ્ય રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, નીરજા ગુપ્તા અમદાવાદના રહેવાસી છે.
ડો. નીરજા ગુપ્તા આરએપીજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. 2006 થી 2012 સુધી ડો.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત ઉર્દૂના પણ જાણકાર છે.