અમદાવાદ : જુના ફ્લેટ કે જે રીડેવલપમેન્ટમાં જવા યોગ્ય હોય એમના માલિકો પાસેથી નવા ફ્લેટ તૈયાર થયા બાદ સ્ટેમ્પ ડ્યુટી ના લેવાની માંગ ક્રેડાઈ- ગાહેડ ગુજરાતે કરી છે. રીડેવલપમેન્ટની પોલિસી આવી ત્યારે 2019માં ત્યારબાદ જંત્રીમાં બદલાવ સમયે અને હવે ફરી એકવાર ક્રેડાઈએ આ રજુઆત કરી છે. મુંબઇ હાઇકોર્ટે રીડેવલપમેન્ટમાં ગયેલ જુના ફ્લેટના માલિકો પાસેથી નવા ફ્લેટ તૈયાર થયા બાદ ફરીવાર સ્ટેમ્પ ડ્યુટી ના લેવા આદેશ કર્યા બાદ ગુજરાતના ડેવલપરોએ કોર્ટના ચુકાદાને આગળ ધરીને આ રજૂઆત કરી છે.
ક્રેડાઈ-ગાહેડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરાઈ છે કે શહેરના સુનિયોજીત વિકાસને ધ્યાને રાખી જર્જરીત ઈમારતોના રીડેવલપમેન્ટ માટે સરકારે પોલીસી બનાવી છે. આ પોલીસી અંતર્ગત સ્ટેમ્પ ડયુટી લેવા અંગેની નીતિ બાબતે સ્પષ્ટતા થવી આવશ્યક છે. કારણ કે રીડેવલપમેન્ટમાં જતી સોસાયટીઓમાં તેના સભ્યોને હયાત કાર્પેટ કરતા વધારે ક્ષેત્રફળ વાળુ યુનીટ આપવામાં આવે તો તેના ઉપર કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થશે નહિ કેમ કે ડેવલપર્સ દ્વારા કરાર કરી બનાવવામાં આવેલ યુનીટનું વેચાણ થતુ નથી.બલ્કે સભ્યના યુનીટની સામે તેને નવા યુનીટ ફાળવે છે અને તે એક આંતરીક ફાળવણી છે. આથી આવા કીસ્સાઓમાં સ્ટેમ્પ ડયુટી લઈ શકાય નહી તેવું અમૌ માનીએ છીએ.
આથી આ બાબતે અગાઉ પણ સરકારમાં રજુઆત કરેલ છે અને આશા છે કે આ બાબતે વિકાસને વેગ આપવા પ્રજાહિતમાં નિર્ણય લેવામાં આવે તેવી વિનંતી છે.