અમદાવાદ : અમદાવાદના રસ્તા પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો છાસવારે વાહનચાલકોને કાળનો કોળિયો બનાવી લેતા હોય છે. ત્યારે શનિવારે મોડી સાંજે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરે આઠ વર્ષીય બાળકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતને લઈને સ્થાનીક લોકોના ટોળેટોળા એકઠા થઇ જતા રોષે ભરાયેલ ટોળાએ ડમ્પરને સળગાવી રોષ વ્યકત કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સ્વસ્તીક ચાર રસ્તા પાસે મનીષા ટ્રેડર્સ નામ લખેલા ડમ્પર ચાલકે નાના બાળક પર ડમ્પર ચડાવી દેતા બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના પગલે ટોળાએ ડમ્પરને સળગાવી દીધું હતું. જોકે, બીજી તરફ ભીડ બેકાબૂ થતાં પોલીસનો કાફલો વધુ પ્રમાણમાં ખડકી દેવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોએ ડમ્પરને આગચંપી કરીને રોષ વ્યક્ત કરતા પોલીસનો કાફલો વધુ પ્રમાણમાં ખડકી દેવામાં આવ્યો હતો.તેમજ ટ્રાફિક પોલીસ ડીસીપી સફીન હસન પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગરવેલ પોલીસ ચોકીએ ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.