અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં સપડાયેલી રહે છે. ત્યારે આવો જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતા BSC નર્સિંગ કોર્ષના પરીક્ષાની 30 ઉત્તરવહીઓ ગાયબ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે હડકંપ મચ્યો છે.આ મામલે NSUI અને કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે, વિદ્યાર્થીઓની ઉત્તરવહીને બહાર તપાસ માટે મોકલી તેમને પાસ કરાવવાનું કૌભાંડ ચાલે છે. તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજ્ય સરકારની જાહેર પરીક્ષાઓમાં પેપર લીક જેવી ઘટનાઓ બાદ હવે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં પેપર કૌભાંડ સામે આવ્યું છે. જેમાં BSC નર્સિંગના ચોથા વર્ષના ગણતરીના વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની ઉત્તરવહી રાત્રે મળી જાય અને સવારમાં એ ઉતરવહી ભરીને પાછી આપી દેવામાં આવતી હોવાના કૌભાંડનો પર્દાફાશ NSUI અને કોંગ્રેસે કર્યો છે. જે અંગે ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ પણ કરી છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત યુનિવર્સીટી સતત વિવાદમાં છે ત્યારે વધુ એક વિવાદ ગુજરાત યુનિવર્સીટી સાથે સંકળાયો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની Bsc નર્સિંગ ફાઇનલ વર્ષ એટલે કે ચોથા વર્ષની પરીક્ષાનું આ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 14 વિદ્યાર્થીઓની ભાગ એક અને ભાગ બે એમ 28 પેપર ગાયબ થયા છે. નર્સિંગની પરીક્ષાના જે પેપરની પરીક્ષા દિવસે લવાઈ હતી એ ઉત્તરવહી સાંજે ગુજરાત યુનિવર્સીટીના બોટની ડિપાર્ટમેન્ટ લાવવામાં આવે છે. રાત્રે એ ઉત્તરવહી ગોઠવણ મુજબ કાઢી પુનઃ લખાણ કરી પરત મુકવામાં આવે એ પૂર્વે જ NSUI ને જાણ થતાં કૌભાંડ સામે આવ્યું હતું.
NSUI કાર્યકરો અને કોંગ્રેસ નેતા ઇન્દ્રવીજયસિંહ ગોહિલ અને મનીષ દોશીએ સમગ્ર મામલે કુલપતિનું ધ્યાન દોર્યું અને આક્ષેપ કર્યા કે રાત્રે યુનિવર્સીટીના કમ્પાઉન્ડમાંથી પેપર ગાયબ થાય છે અને સવારે પાછા આવે છે. CCTV બંધ કરીને અધિકારીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે. દોષિતને 72 કલાકમાં સજા કરવામાં આવે નહીં તો NSUI ઉગ્ર આંદોલન કરશે. જે કોઈ હોય, વહીવટી તંત્ર સાથેના હોય કે સરકારના ઈશારે કામ થયું હોય તે તમામ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.