અમદાવાદ : શહેરના નારણપુરા વિધાનસભામાં રવિવારે સાંજે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુ ભગત, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સહીત મહાનુભાવોએ ઘરેથી ટિફિન લઈને આવેલા કાર્યકર્તાઓ સાથે બેસીને ભોજન લીધું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે સાંજે જુના વાડજ ખાતે આવેલ દુઘનાથ મહાદેવ હોલ ખાતે યોજાયેલ ટિફિન બેઠકમાં નારણપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત થયા હતા અને નારણપુરા વિધાનસભા હેઠળ આવતા ત્રણ વોર્ડના પ્રમુખ, કાઉન્સિલરો, હોદેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ટિફિન બેઠકમાં જોડાયા હતા
અને આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. ઘણી મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા.
આ ટિફિન બેઠકમાં મહાનુભાવો, આગેવાનો અને કાર્યકરોએ બુથને મજબૂત કરવા અને સરકારના વિકાસના કામોને પ્રજા સુધી લઈ જવા પર ભાર મુક્યો હતો.
શહેરના વિકાસના કામો કઈ રીતે વધુ કરી શકાય તે માટે પણ ચર્ચા વિચારણા કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતો કઈ રીતે મળે તે માટે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને માહિતગાર કરાયા હતા.
લોકસભા ચૂંટણી પહેલા બીજેપી દરેક મોરચે વિપક્ષને મ્હાત આપવા કમર કસી રહી છે.
નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ (ભગત)નો ફરી એકવાર કોમનમેન અવતાર જોવા મળ્યો હતો.