અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ એક પ્રખ્યાત રેસ્ટોરન્ટના સલાડમાંથી ઈયળ નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની એક રેસ્ટોરાંમાંથી સલાડમાંથી ઈયળ નીકળવાનો બનાવ બન્યો હતો. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ભાજીપાઉંની એક રેસ્ટોરન્ટમાંથી આ ઘટના સામે આવી છે. સલાડમાંથી ઈયળ નીકળવાની આ ઘટનાને લઈને ગ્રાહકે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરતા ઊંધા જવાબ મળ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે.
અમદાવાદમાં બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણી સમાન ઘટના બની છે. વસ્ત્રાપુરમાં ભાજીપાંઉ ખાવા ગયેલા પરિવારને વિચિત્ર અનુભવ થયો હતો. વસ્ત્રાપુરમાં આવેલ ફેમસ પ્રિન્સ ભાજીપાંઉના સલાડમાંથી જીવતી ઈયળ નીકળી હતી. એક ગ્રાહકે પ્રિન્સ ભાજીપાંઉની ભાજીપાંઉનો ઓર્ડર આપ્યો, તો ભાજીપાંઉની પ્લેટમાં ભાજીની સાથે સલાડમાં જીવતી ઈયળ પણ સર્વ કરવામાં આવી હતી.
જેને લઈને ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરી હતી, જેથી તેમને ઊંધા જવાબ આપવામા આવ્યા હતા. તેથી જાગૃત નાગરિક દ્વારા AMC ને જાણ કરાઈ હતી. જેને લઈને કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ટોરન્ટના માલિક સામે 12 હજાર રૂપિયાનો દંડ ફટકારીને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, ગ્રાહકે ઈયળનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.