અમદાવાદ : ગઈકાલે અમદાવાદ શહેરમા સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ શહેર માટે આ બહુ જ શરમજનક બાબત છે કે, મેગા સિટીની હાલત નાનકડા એવા વરસાદમાં બગડી જાય છે. ત્યારે આ વરસાદે તંત્રની મોટી પોલ ખોલી છે. રાજ્યના સિંચાઈ વિભાગના પત્રથી મોટો ઘટસ્ફોટ થયો છે. આ પત્ર સિંચાઈ વિભાગે એેએમસી કંટ્રોલ રૂમને લખ્યો હતો. 19 જુલાઈના પત્રમાં નદીનું લેવલ વધારવા ઉલ્લેખ કરાયો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ સિંચાઈ વિભાગના પત્રથી આ મામલે ખુલાસો થયો છે, સિંચાઈ વિભાગે AMCના કંટ્રોલરૂમને પત્ર લખ્યો હતો જેમાં વાસણા બેરેજનું પાણીનું લેવલ 131 ફૂટ રાખવા માટે જણાવવામાં આવ્યું હતું, આમ થવાથી અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, ધોળકા, દસક્રોઈ તાલુકાઓને પાણી મળી રહે. ખરીફ પાકના વાવેતર માટે પાણી છોડવામાં આવે છે. ખેડૂતો તથા સ્થાનિક નેતાઓ દ્વારા રજૂઆત કરીને પાણીનું લેવલ 131 રાખવાની રજૂઆત કરવામાં આવે છે કે જેના કારણે તેમને ફતેવાડી કેનાલના માધ્યમથી પાણી મળશે.
જોકે, શનિવારે વાસણા બેરેજનું લેવલ 133 ફૂટ પહોંચી ગયું હતું, જેના કારણે અમદાવાદ શહેર જળબંબાકાર થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાણીનું લેવલ વધ્યું છતાં તેને છોડવામાં કેમ ના આવ્યું તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. પત્ર સામે આવ્યા બાદ મોટો ઘટસ્ફોટ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.