અમદાવાદ : શહેરમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોને તથ્ય નામનો કાળ ભરખી ગયા બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. ઘોડા છુટ્યા બાદ તબેલે તાળા મારવા નીકળેલી પોલીસ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે કાયદાકીય શસ્ત્ર ઉગામી એક મહિના સુધી સ્પેશિયલ ડ્રાઈવ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં બે દિવસમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ, ઓવર સ્પીડ અને ભયજનક વાહન હંકારતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કારને 142 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવીને નવ લોકોની જીવ લીધાની ઘટના બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓની મોડેમોડેથી આંખ ખુલી છે. અમદાવાદના એસજી હાઇવે અને શહેરના અન્ય પોઇન્ટ પર ઓવર સ્પીડથી જતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓવર સ્પીડમાં વાહન હંકારતા 57 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા 16 લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે ભયજનક ડ્રાઇવિંગ કરતા 119 લોકો સામે પણ કાર્યવાહી કરાઇ છે. એટલે કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બે દિવસમાં 192 કેસ કરવામાં આવ્યા છે.
રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ એક મહિના સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. આ ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, સિગ્નલ તોડવા અને રોંગ સાઈડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.