અમદાવાદ : થોડા સમય પહેલાં એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને AMC સફાળા જાગ્યાં હતા. ત્યારે શહેરમાં ટ્રાફિક કંટ્રોલ થાય તે માટે અનેક પગલાં લેવામાં આવ્યા હતા.AMC દ્વારા નવીનત્તમ અભિગમનાં ભાગરૂપે શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક સુચારૂરૂપે કાર્યરત રહે તે સારૂ વન વે ટ્રાફીક સ્પાઇક સ્પીડ બમ્પ (ટાયર કીલર બમ્પ) ઇન્સટોલ કરવાની કામગીરી પ્રયોગિક ધોરણે શહે૨નાં ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે ચાણકયપુરી બ્રિજના સર્વિસ રોડ પર હાથ ધરાઈ છે.
ચાણકયપુરી બ્રિજના સર્વિસ રોડ પર “ટાયર કિલર બમ્પ” લગાડવામાં આવ્યા છે. એક તરફ અમદાવાદીઓ AMC ના નિર્ણયને આવકારી રહ્યા છે તો બીજી તરફ આ બમ્પને કારણે કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની? શહેરમાં રોંગ સાઈડમાં જતા વાહનોને રોકવા માટે “ટાયર કિલર બમ્પ”થી લોકોના જીવ જોખમમાં મૂકવા શું વાજબી છે? આવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. જેનો જવાબ કદાચ અધિકારીઓ પાસે પણ નહિ હોય.
ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે રોડ ડૂબી જશે અને જે લોકો ચાલતા હશે તેમને આ દેખાશે નહીં, જેથી આ ખીલા વાગી શકે તેવા છે. આ ઉપરાંત 108 ઈમરજન્સી સેવાની જ્યારે જરૂર પડે ત્યારે 108 એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં જે જગ્યાએ ઝડપથી પહોંચવું હશે ત્યાં પહોંચી શકશે નહીં. એટલે કે એમ્બ્યુલન્સને પણ ફરી ફરીને જવું પડશે. એટલે આ પ્રકારનો પ્રયોગ લાંબો પક્ષે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.આમ અમદાવાદીઓ એક તરફ આ પ્રયોગને આવકારી તો રહ્યા છે પરંતુ સાથે સાથે નકારી પણ રહ્યા છે.