અમદાવાદ : અમદાવાદમાં TRB જવાન વાહનચાલકો પાસેથી પૈસાનો તોડ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદમાં 2 હજાર રૂપિયાનો મેમો આપવાના બદલે 200 રૂપિયાનો તોડ કરતો TRB જવાન કેમેરામાં કેદ થયો છે.જો કે, તોડ કરતા TRB જવાન સામે કાર્યવાહી કરાઈ છે. મીડિયામાં અહેવાલ બાદ બે TRB જવાનને સસ્પેન્ડ કરાયા છે.
અમદાવાદમાં એક TRB જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદમાં ભદ્ર કોર્ટથી વિક્ટોરિયા ગાર્ડન નજીક વાહન ચાલક પાસેથી પૈસા ઉઘરાવતો TRB જવાનનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વીડિયોમાં TRB જવાન 2000થી 2500નો દંડ આપવાનું કહીને તોડ કરતો નજરે પડે છે. બે TRB જવાન 200 રૂપિયાનો તોડ કરતા વીડિયોમાં દેખાયો છે. જોકે વાહનચાલકે આ સમગ્ર ઘટના રેકોર્ડ કરી લેતા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, ત્યારબાદ તોડબાજ બે TRB જવાનને સસ્પેન્ડ કરાયા છે.
વાયરલ થયેલા વીડિયોની શરૂઆતમાં વાહનચાલક કહી રહ્યો છે કે, પેલું જોઇ લ્યો ને એક પણ મેમો પેન્ડિંગ છે ખરી ? આ તરફ TRB જવાન જવાબ આપે છે કે, ના નથી. આ પછી વાહનચાલક કહે છે કે, અત્યારે 200નો મેમો આપશો તમે ? એટલે TRB જવાન કહે છે 200નો મેમો ના આવે. એટલે વાહન ચાલક કહે છે કે, તો એમને એમ 200 રૂપિયા આપું ? એટલે TRB જવાન કહે છે કે, તમારે ઇન્સ્યુરન્સ નથી તેનો 2000નો મેમો હોય. આ દરમિયાન વાહનચાલક કહે છે કે, તમે 200 કીધું એટલે મને એમ કે, મેમો આપતા હતા. જે બાદમાં TRB જવાન વાહન ચાલક પાસેથી 200 રૂપિયા લેતા વીડિયોમાં જોઇ શકાય છે.