અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદના નિકોલ રિંગરોડ પર બની છે. નિકોલ રિંગરોડ પર કચરો ઉપાડવાના વાહનની અડફેટે બાઈકચાલકનું મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. કોર્પોરેશનના બેફામ વાહનચાલકે બાઈકચાલકને ટક્કર મારી હતી. ઘટનાસ્થળે જ બાઈકચાલકનું મોત થયુ છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરચાલક ફરાર થયો છે. મૃતક ભાવેશ પટેલ નોકરીથી પરત આવતા સમયે અકસ્માતની ઘટના બની હતી.
પ્રાપ્ત અહેવાલો મુજબ અમદાવાદના નિકોલ રિંગરોડ ગઈકાલે મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવેશ પટેલ નામનો યુવક બાઈક લઈને રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કચરાના વાહને તેની બાઈકને અડફેટે લીધી હતી. જેના કારણે તે નીચે પટકાયો હતો અને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ યુવકને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ કોર્પોરેશનનો વાહનચાલક ઘટનાસ્થળે ફરાર થઈ ગયો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં અવાર નવાર AMCના ડમ્પર ચાલકો બેફામ ગાડી ચલાવે છે જેને કારણે અકસ્માત સર્જાય છે. સ્થાનિકોએ અકસ્માત સર્જનારા AMCના ડમ્પરચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.