અમદાવાદ : સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના નારણપુરા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કૌશિકભાઈ પટેલનું એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી ખુદ કૌશિકભાઈ પટેલએ તેમના ઓરીજીનલ એકાઉન્ટ પરથી આપી છે. અને આ ગેરરીતિ માટેની ફરિયાદ પણ સાઇબર ક્રાઇમમાં આપેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં નારણપુરા વિધાનસભાની સીટ પર ગત ટર્મે ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના Kaushik Patel K નામનુ ફેસબૂક ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં હેકરે એકાઉન્ટમાં પ્રોફાઈલ પિક્ચર પર કૌશિકભાઈ પટેલની તસવીરનો ઉપયોગ કર્યો છે. જ્યારે કે કવર ફોટો તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શપથવિધિની તસવીર સેટ કરી રાખી છે. કૌશિકભાઈ પટેલના જણાવ્યા મુજબ એક મહિના અગાઉ આ ફેસબૂક ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
કૌશિકભાઈ પટેલએ આ અંગે માહિતી શેર કરતા પોતાના ઓરીજીનલ ફેસબુક એકાઉન્ટ પર એક મેસેજ સાથે લખ્યું હતું કે, પ્રિય મિત્રો, અહી અટેચ કરેલ ફોટો માં દર્શાવેલ જે Kaushik Patel K નામનુ ફેસબૂક એકાઉન્ટ છે, તે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા મારા નામનો દુરુપયોગ કરવા માટે ખોટી રીતે બનાવેલ છે. આ એકાઉન્ટ તદ્દન ખોટુ છે તેની નોંધ લેવી અને તે એકાઉન્ટ પરથી આવતા કોઇ પણ મેસેજનો રિપ્લાય આપવો નહિ અને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ સ્વીકારવી નહી. આ સાથે અમોએ આ ગેરરીતિ માટેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં આપેલ છે.