અમદાવાદ : શહેરમાં પ્લાસ્ટિકની પાતળી થેલી અને પેપરકપ સહિત કેટલીક ચીજવસ્તુ ઉપર પ્રતિબંધ કાગળ ઉપર જ હોય તેમ અનેક વિસ્તારોમાં શાકભાજીની લારીઓ અને ચાની કિટલીઓ વગેરે જગ્યાએ પ્રતિબંધિત ચીજવસ્તુઓનો વપરાશ બેરોકટોક થઇ રહ્યો છે. જોકે પશ્ચિમ ઝોનનાં ડે.કમિશનરે પર્યાવરણ અને સ્વચ્છતાને અસર કરતાં આ મુદ્દાને ગંભીરતાથી લઇ આસી.કમિશનરોની ટીમને પોતપોતાનાં વોર્ડમાં કડક કાર્યવાહી માટે ફિલ્ડમાં ઉતારતાં જ 27 ટી સ્ટોલને સીલ વાગી ગયાં હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ ઝોનનાં સોલિડ વેસ્ટ વિભાગ અને અન્ય વિભાગોના કર્મચારીઓની 21 ટીમો દ્વારા પશ્ચિમ ઝોનના અલગ અલગ વિસ્તારોમાં 340 એકમોમાં ચેકિંગ કરતાં 27 ટી સ્ટોલમાં પેપરકપ મળતાં તેને સીલ મારી દેવાયા હતા અને સ્વચ્છતા સહિતનાં નિયમોનાં ભંગ બદલ 75 એકમને નોટિસ ફટકારાઈ હતી. મ્યુનિ. ટીમોની કાર્યવાહી દરમિયાન નવરંગપુરા શાંતાસાગર ટાવરમાં આવેલાં એક એકમમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં તેને પણ સીલ મારી દેવાયા હતા.
શહેરનાં મોટા અને જાણીતા માર્ગો ઉપર ચાની કિટલીવાળા પેપરકપનો ઉપયોગ કરતાં નથી, પરંતુ આંતરિક રસ્તાઓ અને સ્લમ વિસ્તારોમાં હજુ પણ ટી સ્ટોલવાળા પેપરકપનો ઉપયોગ કરતાં હોવાની માહિતી પશ્ચિમ ઝોનનાં ડે.કમિશનર આઇ.કે.પટેલને મળી હતી.આથી તેમણે ઝોનના આસી.કમિશનરોની ટીમને પ્લાસ્ટિક અને પેપરકપ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવા સૂચના આપી હતી.