અમદાવાદ : સ્વચ્છ અમદાવાદ અભિયાન હેઠળ શહેરના ભાજપના શાસકો દ્વારા અમદાવાદીઓને ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો છૂટો પાડીને તંત્રની કચરા ગાડીઓને આપવા માટે દસ દસ લિટરના બે ડસ્ટબિન મફતમાં આપી રહ્યાં છે. જે અંતર્ગત સ્ટેડીયમ વોર્ડમાં ઉસ્માનપુરા ખાતે આવેલ ગોકુલનગર અને વિદ્યાનગર સોસાયટી અને ભાવસાર સોસાયટી ખાતે જયારે નવા વાડજ વોર્ડમાં સુર્વણ એપાર્ટમેન્ટ ખાતે સ્થાનિક કાઉન્સિલરો અને આગેવાનોની હાજરીમાં બે ડસ્ટબિન વિતરણ સોસાયટીના સભ્યોને કરાયું હતું.
શહેરના નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ કરીને આપે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વોર્ડમાં ઘરે ઘરે ડસ્ટબીન આપશે. શહેરના વિવિધ વોર્ડમાં વાદળી અને લીલા રંગની ડસ્ટબીનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કોઈપણ નાગરિક પોતાના ઘરે ડસ્ટબીનની માંગણી કરે તો તેના માટે કંપની દ્વારા સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી તેમની સોસાયટીના લેટરપેડ પરના તમામ સભ્યોની સંખ્યા અને વિગત સ્થાનિક કાઉન્સિલરોને કરવાની રહેશે. જેથી સમાજના તમામ લોકોને ઝડપથી ડસ્ટબીન આપી શકાય.