અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે. શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કારની મઝા માણતા તથ્ય પટેલે રસ્તા પર ઉભેલા 9 માસૂમ લોકોને કચડી નાંખ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન મળ્યા છે. આ પહેલા કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માંગી ચૂક્યો છે. પરંતુ ત્યારે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી થતા પ્રજ્ઞેશ પટેલના જામીન મળી ગયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપ્યા છે. ગુજરાત નહી છોડવાની શરતે કોર્ટે પ્રજ્ઞેશ પટેલને જામીન આપ્યા છે. તપાસ પૂર્ણ થઈ ગઈ અને પ્રજ્ઞેશ પટેલ સામે માત્ર ધમકીની ફરિયાદ હોવાની બચાવ પક્ષ દ્વારા દલીલ કરાઈ છે.પ્રજ્ઞેશ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમા 25 તારીખે થયેલી સુનાવણીમાં તેના મુખ્ય વકીલે દલીલ કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલનો રોલ માત્ર અને માત્ર ધમકી પૂરતો છે. જેમા જામીન મળવા જોઇએ કારણ કે આ જામીનપાત્ર હોય છે. તે દિવસની સુનાવણી આજ પર ટળી હતી. આજે પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ગયા છે.
આ પહેલા પણ આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર માટે મુંબઈ જવાનું કહીને જામીન અરજી કરી હતી. ત્યારે આ અંગેની સુનાવણીમાં કોર્ટે જામીન અરજી ફગાવી નાંખી હતી. આ ઉપરાંત જેલ વિભાગને ગુજરાતના કેન્સર વિભાગમાં સારવાર કરાવવા માટે આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માતમાં તથ્ય પટેલને જેલભેગો કર્યો છે. ત્યારે તેના પિતાએ ત્યાં હાજર લોકોને ધમકાવ્યા હતા. જેને લઈને ગુનો નોંધી કાયદાદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.