અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી હોય તેવા અવાર નવાર કિસ્સાઓ સામે આવી રહી છે. પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બેફામ ક્રાઈમના બનાવો બની રહ્યાં છે. અમદાવાદના શીલજમાં લૂંટ વિથ ગેંગ રેપનો બનાવ સામે આવ્યો છે. શીલજમાં ફ્લેટ ઘુસીને પાંચ સિક્યોરિટી ગાર્ડ દ્વારા ઘરઘાટી યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે. આ બાદ તમામે ઘરમાં લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા. જોકે બનાસકાંઠાના પાલનપુરમાં તમામ દુષ્કર્મીઓને પોલીસે પકડી લીધા હતા.
વિગતો મુજબ, શીલજમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 41 વર્ષની મહિલા એકલી રહે છે અને જમીન લે-વેચનું કામ કરે છે. મહિલાના ઘરે 19 વર્ષની યુવતી ઘરઘાટી તરીકે રહેતી હતી. ગુરુવારે રાત્રે ફ્લેટની લાઈટો જતી રહેતા સિક્યુરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા શખ્સોએ એપાર્ટમેન્ટમાં ડોરબેલ વગાડી હતી. ડોરબેલ વાગતા જ મહિલા બહાર આવી હતી, જેથી લુંટારુંઓએ તેમનું મોઢું દબાવ્યુ હતું અને ફ્લેટમાં ઘૂસી ગયા હતા. લૂંટારુંઓએ મકાનમાં કામ કરતી ઘરઘાટી યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
દુષ્કર્મના આરોપીઓમાંથી એક સિક્યોરિટી ગાર્ડ પોતે તે જ ફ્લેટમાં નોકરી કરતો હતો. આથી તેનો અન્ય ગાર્ડ સાથે મુલાકાત થઈ હતી. ફ્લેટમાં ઘણા સમયથી બે યુવતીઓ એકલી જોતા તેઓ ભેગા મળીને ફ્લેટમાં ઘુસીને દુષ્કર્મ આચરી લૂંટની ફીરાકમાં હતા. ઘટનાને અંજામ આપી તમામ કાર ચોરીને ભાગી ગયા હતા અને બાદમાં રસ્તામાં કાર મૂકી ખાનગી ટ્રાવેલ્સમાં બેસીને પંજાબ જવા નીકલ્યા હતા. દરમિયાન મહિલાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેતા પાલનપુર અરોમા સર્કલ પાસે નાકાબંધી કરીને પોલીસે અમૃતપાલ સિંહ, મનજિસિંહ, રાહુલ સિંહ કોસાવા કાચી, હરિઓમ અને સુખવિંદરસિંગને ઝડપી લીધા હતા.
સમગ્ર મામલે આજે પાંચેય આરોપીઓની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે, સિક્યુરિટી ગાર્ડે લુંટ અને ગેંગરેપ પહેલા રમકડાની રિવોલ્વર મેળવી હતી. ફ્લિપકાર્ટમાંથી મંગાવેલી રમકડાંની રિવોલ્વરના આધારે તેઓએ લૂંટ ચલાવી હતી. પૂછપરછમાં મોટો ખુલાસો થયો કે, મુખ્ય આરોપી મનજીત જોહાલ અને અમ્રિતપાલ ગીલ વિરુદ્ધનો ગુનાઈત ઈતિહાસ છે. મનજીત ડિસેમ્બરમાં પ્રેમલગ્ન કરવાનો હતો, તેથી તેણે તે પહેલા લુંટનો પ્લાન બનાવ્યો હતો. મહિલાના ઘરમાંથી 10-20 લાખ રુપિયા મળશે તેવી લાલચે લૂંટ કરી હતી. પરંતું માત્ર 1.37 લાખની લુંટ ચલાવી હતી.