અમદાવાદ : AMC દ્વારા શહેરમાં એક તરફ સ્વચ્છતાનાં 60 દિવસ ઝુંબેશ ચાલી રહી છે. તેમજ ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ બેદરકારી દાખવતા તેમની સામે મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં લીધા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા રાકેશ મીલેશિયા સહિતના PHS સ્ટાફને શો કોઝ નોટિસ ફટકારાતા AMCના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
AMCના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસ સ્વચ્છતાના વધુ આગ્રહી છે. અને અવાર-નવાર અધિકારીઓને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જરૂરી સુચના આપતા હોય છે. શહેરમાં સફાઈની કામગીરીને લઈને ભૂતકાળમાં અવારનવાર AMC કમિશનર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જોકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ યોગ્ય રીતે કામગીરી ન કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. મ્યુનિ. કમિશનર જે તે વિસ્તારમાં રાઉન્ડ લેતાં હતા ત્યારે તેમને ઝોનનાં અધિકારીઓની નિષ્ક્રિયતા નજરે પડતી હતી. કચરાનાં ઢગલા, ન્યૂસન્સ પોઇન્ટ, ડોર ટૂ ડોરનાં વાહનો પાછળ કચરો ભરેલાં થેલા લટકાવવા સહિતની બાબતે ઝોનનાં સોલીડ વેસ્ટ ખાતાનાં અધિકારીઓને કડક કાર્યવાહીની સૂચના છતાં કામગીરી ન કરવામાં આવતા કડક પગલાં લીધા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવતા જોધપુર, સેટેલાઈટ, સરખેજ, મકતમપુરા સહિતના વિસ્તારોમાં સિલ્વર ટ્રોલી ઉપાડી લેવાયા બાદ તે જગ્યાઓએ કચરો ન ઠલવાય તે માટે સઘન પગલા લેવાતા નથી. કેટલીય જગ્યાએ કચરો નાખવામાં આવતો હોવાનું પૂરવાર થતાં તેમજ વોર્ડમાં ફાળવવામાં આવતાં મશીનરી-સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી તે બધી બાબતોને ધ્યાને લઇ ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ખાતાકીય રાહે પગલા કેમ ન લેવા તેવી શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.