અમદાવાદ : અમદાવાદમાં સતત વધી રહેલ ગુનાખોરી અને તેમાં પણ ખાસ કરીને લૂંટ અને ચીલઝડપ જેવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેને જોતા ગુજરાતનું ક્રાઇમ કેપિટલ અમદાવાદ બનવા જઇ રહ્યા છે. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને દિગ્ગજ નેતા સ્વ.અશોક ભટ્ટના દિકરી અને હાલ ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની બહેન ચેઇન સ્નેચિંગનો ભોગ બન્યા છે. તેઓ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ગળામાંથી સોનાનો દોરો તોડી બે ચેઇન સ્નેચર્સ ફરાર થઈ ગયા હતા. આ અંગે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નારણપુરામાં આવેલા મનીષ હોલની બાજુમાં આવેલી સુંદરનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતાં હિનાબેન આનંદભાઈ દણાંક (ઉં. 58) મંગળવારે સાંજે 5.15 વાગ્યે સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે સ્નેચર તેમના ગળામાંથી રૂપિયા 90 હજારની કિંમતનો સોનાનો દોરો તોડી નાસી ગયા હતા. આ અંગે હિનાબેન નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.નારણપુરા જેવા પોશ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ પણ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દોડતી થઇ હતી.પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તેમને પકડવા તજવીજ શરૂ કરાઈ છે.
હવે મંત્રીઓ અને અધિકારીઓ પણ સુરક્ષીત નથી તેવા અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચુક્યાં છે.અત્રે નોંધનીય છે કે, સ્વ. અશોક ભટ્ટ ગુજરાત સરકારમાં સ્વાસ્થય મંત્રી પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ કાયદો અને વ્યવસ્થા મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યાર બાદ તેઓ ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ રહી ચુક્યા છે.