અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સ્ટેટ GST વિભાગના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. જે અંતર્ગત કર્મચારીઓએ સરકાર સામે કાળી પટ્ટી અને રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.જેમાં કલાર્ક, ઇન્સ્પેકટર, જોઇન્ટ કમિશનર, ડે-કમિશનર આંદોલનમાં જોડાયા છે. મુખ્ય માગણીમાં પ્રમોશન આપવાની જગ્યાએ IRS ને તે જગ્યા અપાય છે. ઉપરાંત પ્રમોશન ન મળવા અને પગાર ધોરણમાં વિસંગતિ મુખ્ય માગણી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં પણ GST વિભાગના કર્મચારીઓએ સરકાર સામે કાળી પટ્ટી અને રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ 3 જેટલા અલગ અલગ મુદ્દાઓને લઈને હાથ ધરવામા આવ્યુ હતું. જેમાં GST વિભાગના તમામ કેડર અધિકારીઓને સમયસર પ્રમોશન આપવામાં આવે અને કમિશનરની જગ્યાઓ ઊભી કરી યોગ્ય બઢતી આપવી.
આ સાથે જ GST વિભાગના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના સિનિયર અધિકારીઓ ભરતી મેળવવા પાત્ર હોવા છતાં તેમની લાંબા સમયથી અવગણના કરીને અન્ય કેડરમાંથી અધિકારીઓને મૂકવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા GSTના વર્ગ 1 થી લઈ વર્ગ 3 સુધીના કર્મચારીઓને પે ગ્રેડ પણ ઓછો આપવામાં આવે છે જેને વધારવાની માંગને લઈને GST ઓફિસ ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત માંગણીઓને લઈને GST વિભાગના તમામ કેડરમાં અધિકારી -કર્મચારીઓમાં ખૂબ જ નારાજગી પ્રવર્તી રહી છે. આ અગાઉ સરકારને વખતોવખત કરાયેલી રજુઆતો પર કોઈ કાર્યવાહી આજદીન સુધી કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં ન આવતા ના છૂટકે અંતિમ પ્રયાસ તરીકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે.
ઉપરોક્ત માંગણીઓને લઈને આજે સ્ટેટ GST વિભાગના કર્મચારીઓ-અધિકારીઓએ અમદાવાદ, બરોડા, રાજકોટ, ભાવનગર સહીત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.