અમદાવાદ : અમદાવાદમાં સબસલામતના દાવાને પણ આરોપીઓ પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. અમદાવાદ શહેરમાં વધુ એક વખત લૂંટનો બનાવ બન્યો હતો.શહેરના નેશનલ હેન્ડલુમ શોપિંગ મોલના એકાઉન્ટન્ટ અને સાથી કર્મી સાથે લૂંટની ઘટના થઈ હતી.પરંતુ પોલીસ અને સ્થાનિક લોકોની સતર્કતાથી લૂંટારાઓ રંગે હાથે ઝડપાયા છે.
ઘટના એવી છે કે, નેશનલ હેન્ડલૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા રોહિત ચૌધરી 31.20 લાખની રોકડ લઈને એલિસબ્રિજની SBI બેંકમાં પૈસા જમા કરવા જઈ રહ્યા હતા. તે સમયે આરોપી ભરત અને મહાવીરસિંહે તેમની એક્ટિવા રોકીને છરી વડે હુમલો કરીને રોકડ ભરેલી બેંગ લૂંટી ફરાર થઈ રહ્યા હતા. બન્ને લુટારુઓ બાઈક મૂકીને નાસી ગયા હતા. પરંતુ સ્થાનિક લોકો અને પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરીને બન્ને આરોપીને પકડી લીધા હતા. જોકે બન્ને આરોપી એક હોટલના કમ્પાઉન્ડમાં ઘૂસી જતાં ત્યાંથી પકડીને લૂંટનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લૂંટ કરવા આરોપીઓ બાઈકની ચોરી કરી હતી. જે બાદ લૂંટનાં ગુનાને અંજામ આપીને બાઈક ત્યાં મૂકી રાખવાના હતા. જે બાદ લૂંટનાં પૈસા લઈ સીધા જ પોતાના વતન જતા રહેવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમના આ ષડયંત્ર સફળ થાય તે પહેલાં પોલીસના હાથે ઝડપાઇ ગયા. ત્યારે બંને આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ અને ચોરી બાઈક કોનું છે, જેને લઈ આરોપીનાં રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
પકડાયેલ આરોપી ભરત અને મહાવીર મૂળ રાજસ્થાનના રહેવાસી છે. બોપલમાં હાઇટેક સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને આરોપી ભરત 2014થી અમદાવાદમાં હતો. જ્યારે મહાદેવ છ મહિના પહેલા જ અમદાવાદમાં આવ્યો હતો. બન્ને એક જ ગામના હોવાથી મોટી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેથી આરોપીઓએ બે દિવસ સુધી નેશનલ હેન્ડલૂમ અને બેન્કોની રેકી કરી હતી ત્યારે નેશનલ હેન્ડલૂમમાં લૂંટનો ભોગ બનનાર રાજસ્થાનનો વતની છે, જેથી પોલીસને શંકા છે કે લૂંટની ટીપ આપનાર નેશનલ હેન્ડલૂમમાં કામ કરતાં કર્મચારીએ આપી હોઇ શકે છે.