અમદાવાદ: અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાંથી ફૂડમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા કેટલાક સમયથી સંખ્યાબંધ જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવાત નીકળવાના અહેવાલો મળી ચૂક્યા છે.ત્યારે શહેરની વધુ એક રેસ્ટોરાના ફૂડમાંથી જીવાત નીકળ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના નારણપુરા વિસ્તારમાં આવેલી મારુતિનંદન રેસ્ટોરન્ટની છે. સિઝલરના વ્હાઇટ પાસ્તામાંથી ઈયળ નીકળી છે. યુવતીએ ફૂડની ઓનલાઈન ડિલિવરી મંગાવી હતી.
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ નારણપુરા વિસ્તારમાં આવેલી મારુતિનંદન હોટલમાંથી ઓનલાઈન ફૂડ એપ મારફત એક યુવતીએ મારુતિનંદન સ્પેશિયલ સિઝલરનો ઓર્ડર કર્યો હતો, જેમાં જીવાત નીકળી હતી. યુવતીએ અડધો ડબ્બો પાસ્તા ખાઈ લીધા બાદ તેને ડબ્બામાંથી જીવાત નીકળતી જોઈ હતી. જીવાત નીકળતાં તેને આ મામલે હોટલનો સંપર્ક કર્યો હતો, જેથી હોટલના સંચાલક દ્વારા તેને નવા પાસ્તા મોકલવાનું કહ્યું હતું.
જોકે યુવતીના પૈસા પણ પરત આપવા માટે જણાવ્યું હતું. એ માટે તેણે પૈસા પરત આપવા માટે માણસો પણ મોકલ્યા હતા. જોકે યુવતીએ તેના પૈસા પરત લેવાની ના પાડી હતી અને હોટલના જે પણ માણસો આવ્યા હતા તેમને જે જીવાત નીકળી હતી એ જીવાત ડબ્બામાં નીકળેલી બતાવી હતી. આ મામલે તેણે ઓનલાઇન ફૂડ ઝોમેટોને પણ ઈમેલ કરીને ફરિયાદ કરી છે.
આ અગાઉ જાણીતા બ્રાન્ડેડ પિત્ઝા સેન્ટરના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી.