અમદાવાદ : કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં દક્ષિણ અને ઉત્તર ભારતમાં 5 લોકોના મૃત્યુ અને વધતાં જતાં કેસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા બે કોરોનાના કેસોને પગલે હવે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.શહેરના વોર્ડ વિસ્તારમાં આવેલા AMC હસ્તકના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તંત્ર તરફથી રેન્ડમ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે.
દેશમાં ફરી એક વખત ગુજરાત સહિતના રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે અમદાવાદમાં પણ કોરોનાના સંભવિત આક્રમણ સામે મ્યુનિ.ના હેલ્થ વિભાગને સતર્ક કરવામાં આવ્યુ છે.મ્યુનિ.તંત્ર દ્વારા કોરોનાનુ રેન્ડમ ટેસ્ટીંગ કરવા અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તૈયારી કરી લેવામાં આવી હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આગામી સમયમાં શહેરમાં જયાં ભીડ વધુ થતી હોય એવા સ્થળોએ પણ મ્યુનિ.તંત્ર તરફથી રેન્ડમ ટેસ્ટ કરાશે.
લાંબા સમય બાદ ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને દર્દીઓ દક્ષિણ ભારતની યાત્રા કરીને આવ્યાં હતા. હાલ આ બંનેના સેમ્પલ જિનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે, જે રિપોર્ટ આવ્યાં બાદ વેરિએન્ટની જાણકારી મળશે.