અમદાવાદ : અયોધ્યા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોના ઘરે ઘરે જઇને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. મંદિર નિર્માણની કામગીરી પણ પુરજાશમાં ચાલી રહી છે. એક 108 ફૂટ લાંબી અગરબત્તી, જે અભિષેક પ્રસંગે પ્રગટાવવામાં આવવાની છે, તે પણ ગુજરાતના વડોદરા શહેરમાંથી રવાના કરવામાં આવી છે. આ પછી વડોદરાથી અયોધ્યા માટે એક વિશાળકાય દીપ પણ મોકલવામાં આવશે.
VHPના વરિષ્ઠ નેતા અશોક રાવલે જણાવ્યું હતું કે VHPએ રામ મંદિર નિર્માણમાં ગુજરાતના યોગદાનને રેખાંકિત કર્યું છે અને કહ્યું છે કે અયોધ્યામાં અભિષેકના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે ગુજરાત સમગ્ર દેશમાં આ પહેલ કરે અને આ દિવસે તમામ શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવે, જેથી દરેક અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જોઈ શકે. વિશ્વ હિન્દુ પરિષદની માંગને ગુજરાતના અનેક સંતો અને શક્તિશાળી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું હિન્દુ સમાજના 500 વર્ષના સંઘર્ષ અને ૭૬ યુદ્ધો પછી ભારતના આરાધ્યદેવ ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ હિંદુ સમાજ માટે ઐતિહાસિક દિવસ છે. માત્ર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નહીં પણ હિન્દુ સમાજનું ખોવાયેલું સ્વાભિમાન પણ પરત મળી રહ્યું છે. સાથે રામ રાજ્યના મૂલ્યોની પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આ હિન્દુ સમાજનો વિજય ઉત્સવ છે.