અમદાવાદ : અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા નવનિર્મિત શહેર કોટડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ યોજાયું. અમદાવાદ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ હસમુખભાઈ પટેલ અને અમદાવાદ AMC મેયર પ્રતિભાબેન જૈન અને શહેરના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવેલ કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થાપનામાં ગૃહવિભાગની પાયાની કામગીરી છે ત્યારે પોલીસ તંત્રને આધુનિક ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ રાખી હંમેશા નાગરિકોની સુરક્ષા કરવા માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે ગૃહમંત્રીએ એક મહત્વપૂર્ણ બાબતની જાણકારી એ પણ આપી કે વિભાગ દ્વારા એક સર્વે કરાવવામાં આવી રહ્યો છે, જેમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરી ચૂકેલ એવા અરજદારો પાસેથી પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન તેમનો અનુભવ અને પોલીસકર્મી કે પોલીસ અધિકારીના વર્તન અંગે પણ પ્રતિભાવ લેવામાં આવી રહ્યા છે.
તેઓએ શહેરના પોલીસ કમિશનરને એ પણ સૂચન કર્યું કે પોલીસનો સ્ટેશનમાં આવતા અરજદારો પ્રત્યે વ્યવહાર પણ સારો હોવો જોઈએ જો કોઈ સિનિયર સિટીઝન પોલીસ સ્ટેશન આવે તો પોલીસે તેને એક ગ્લાસ પાણી આપવું જોઈએ, તેમાં તેની કોઈ તાકાત ઓછી નથી થઈ જવાની..આ પ્રકારના વર્તનના કારણે સામાન્ય નાગરિકોની પોલીસ પ્રત્યે શ્રદ્ધા અને અભિગમ પણ બદલાશે.
પોલીસ કર્મી પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારના નાગરિકો સાથે સુમેળ ભર્યા સંબંધો વિકસાવવા માટે પણ ટકોર કરી. સાથે સાથે એ પણ સંભળાવી દીધું કે તેમને એ પણ ખ્યાલ છે કે ક્યાં, કોણ નાગરીકો સાથે નથી મળીને મળતા, પરંતુ તે ક્યારેય ન ચલાવી લેવાય.
પોલીસે હમેશા લોકોની સાથે રહી સાથે રાખીને હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત બનાવવું જોઈએ. હર્ષ સંઘવીએ તો ત્યાં સુધી કહી દીધું કે જો મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી રોજ 500 અરજીઓનો નિકાલ કરીને લોકોને મળતા હોય તો પીઆઇ, એસીપી, કે ડીસીપી કેમ લોકો સાથે ન મળી શકે, એવું તો શુ કામની વ્યસ્તતા હોય છે!
લોકોની સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવતા પોલીસ તંત્રની આધુનિક સમય સાથે કાર્ય પદ્ધતિ અને કાર્ય સ્થળનો વિકાસ કરવાના રાજ્ય સરકારના દ્રઢ સંકલ્પની આ પોલીસ સ્ટેશન ગુજરાત પોલીસ પ્રતીતિ કરાવે છે.