અમદાવાદ : ઉત્તરાયણના તહેવારને લઈને દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 7થી 12 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 યોજાશે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024માં રાજ્યપાલ, મુખ્યપ્રધાન સહિતના નેતાઓ હાજર રહેશે. તો પતંગોત્સવમાં કુલ 55 દેશના 153 પતંગબાજો ભાગ લેશે. તો ગુજરાત સિવાયના 12 રાજ્યોના 68 પતંગબાજો પણ પતંગોત્સવમાં ભાગ લેશે. રાજ્યમાંથી 23 શહેરોના 856 પતંગબાજો પણ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે. આ ઉપરાંત આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 જાન્યુઆરીએ વડોદરા, 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 માં વિશેષ રીતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે. રાજ્યના હસ્તકલાનાં કારીગરોને ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ્સ અને પતંગ રસિકો માટે ખાણીપીણાના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવ દરમિયાન 7 થી 13 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 7 થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે.