ગાંધીનગર : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં આ માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે જેને લઈને દેશવાસીઓમાં ખુશીની લહેર છે, ત્યારે ઉત્સાહને જોતા ગુજરાત સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે.
રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા તમામ રાજ્ય સરકારની ઓફિસો અડધો દિવસ માટે બંધ રહેશે. એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓને અડધો દિવસ રજા આપવામાં આવી છે. 22 જાન્યુઆરી સોમવારે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં બપોરે 2.30 કલાક સુધી રજા રહેશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ પોતાનું કામકાજ કરશે.
નોંધનીય છે કે, રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે (18 જાન્યુઆરી) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી કે 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે આ નિર્ણય જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.