અમદાવાદ : અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પૂરી થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કર્યા વગર જ લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન કરવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અમિત શાહ લોકસભા ચૂંટણી ગાંધીનગર બેઠક પરથી લડશે તેવો સી.આર પાટીલે સંકેત આપ્યો છે.
ગુજરાતની 26 સીટ પર ભાજપના ઉમેદવારની જાહેરાત વગર જ લોકસભા કાર્યાલય ખોલવામાં આવેલ છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. નડ્ડા ગાંધીનગર લોકસભા કાર્યાલયના ઉદઘાટનમાં હાજર રહ્યા હતા. ગુજરાતમાં સાથે 26 લોકસભા સીટના ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પાટીલે કહ્યું કે, અમિત શાહની લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન એટલે રાજકીય નિષ્ણાતોમાં ચર્ચા થવા લાગી છે કે, અમિત શાહ ફરીથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
ભાજપે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તૈયારીઓ તેજ કરી દીધી છે અને તમામ લોકસભા બેઠકો જીતવા એક્શન પ્લાન પણ તૈયાર કરી લીધો છે. આ સાથે જ સંગઠનને મજબૂત બનાવીને પાર્ટીએ ત્રણ સભ્યોને ચૂંટણીને લઈને મહત્ત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે જેમાં પ્રભારી તરીકે ઓબીસી મોરચાના અધ્યક્ષ મયંક નાયક, ગાંધીનગર બેઠકના સંયોજક તરીકે ધારાસભ્ય હર્ષદ પટેલને જવાબદારી સોંપાઈ હતી. જ્યારે સહસંયોજક તરીકે અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપ ડોડીયાને જવાબદારી આપવામાં આવી હતી.
ગુજરાતમાં ભાજપ 2024ની લોકસભાની ચૂંટણી માટે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે ત્યારે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર સહિત રાજ્યના 26 કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી છે.