અમદાવાદ : કોઈપણ દેશનું ભવિષ્ય તે દેશના બાળકોથી સુરક્ષિત થતું હોય છે પરંતુ જ્યાં બાળકો જ સુરક્ષિત નથી તેનું ભાવી કઈ રીતે કલ્પી શકાય? આજ સ્થિતિને જોતા અમદાવાદ અસારવા સિવિલ દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ અભિગમ છે “પારણું”. જીલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઈન અંતર્ગત નવજાત શિશુ માટે અસારવા સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશદ્વાર આગળ એક પારણું મુકવામાં આવ્યું છે
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ છે કે નવજાત બાળકોને માતા-પિતા ત્યજે નહીં તે માટે 1200 બેડ હોસ્પિટલ બહાર એક પારણું મુક્યું છે. બાળકોને ત્યજી દેવાની જગ્યાએ બાળકોને અહીંયા પારણામાં મૂકવામાં આવે તેવી સુપ્રિટેન્ડન્ટે માતા-પિતાને હોસ્પિટલ દ્વારા અપીલ કરાઈ છે.અહીં નવજાતને ત્યજી દેનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે અને બાળકનું સંપૂર્ણ રીતે જતન કરવામાં આવશે. પારણામાં બાળક મુકવા આવનારે બાળકને પારણામાં મુકીને બાજુમાં મુકેલા બેલનું બટન દબાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તરછોડાયેલા નવજાત બાળક ક્રિટીકલ સ્થિતિમાં અહીં સારવાર માટે આવ્યા હોવાથી આ નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.
1200 બેડ હોસ્પિટલની બહાર એક પારણું મુકવામાં આવ્યું છે. કોઈ અગમ્ય કારણોસર બાળકને તરછોડી દેવાની અથવા તો તેને કાંટા વચ્ચે ફેંકી દેવા કરતા પારણામાં મૂકી જાય તેવી આશા સાથે આ પારણું મુકવામાં આવ્યું છે.આ રીતે ત્યજી દીધેલ બાળક ને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જીલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજત પૂર્વક ઉછેર કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ દ્વારા પારણામાં મુકનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે તે પ્રકારની સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડેન્ટ રાકેશ જોષીએ મિર્ચી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં પણ સિવિલ હોસ્પિટલમાં ત્યજી દેવાયેલા બાળકો ખૂબ વિગત સ્થિતિમાં સારવાર માટે આવ્યા છે. બાળકોને બચાવવા પણ મુશ્કેલ હોય છે. આ સ્થિતિમાં બાળકો ન આવે તે માટે આ એક નવી પહેલ છે.