અમદાવાદ : આજના આધુનિક યુગમાં ચીટર ચોર ટોળકી દ્વારા લોકોના ખિસ્સા હળવા કરી છેતરપિંડી કરવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે ત્યારે આજની આ કારમી મોંઘવારીમાં હજુ માનવતા જીવિત હોય તેમ અમદાવાદ શહેરમાં એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ટ્રાફીક કોન્સ્ટેબલને રોકડ રૂપિયા સાથે મહત્વના ડોક્યુમેન્ટ્સ સાથેનું પાકીટ મળતા મૂળમાલિકને પરત કરી માનવતા અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ એ ડિવિઝન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ રાવત શહેરના ભાડજ થી એચ.પી પેટ્રોલપંપ તરફ જતા હતા, તે સમયે તેમને એક લેડીઝ પર્સ મળ્યું હતું. જેમાં પર્સમાં રહેલ મોબાઈલ ફોન ઉપર ફોન આવતા પર્સવાળા બહેનને રૂબરૂમાં બોલાવી પર્સમાં રહેલ આઠ થી દસ હજાર રોકડા રૂપિયા તથા મોબાઈલ, અગત્યના ડોક્યુમેન્ટ તથા કીમતી ચીજવસ્તુઓ પરત કરી સરાહનીય કામગીરી કરેલ છે. જેથી નિરુપાબેન ઠક્કરને તેમનું ખોવાયેલ પાકીટ પરત મળી જતા તેઓએ પણ ટ્રાફીક પોલીસની સરાહનીય કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો.