અમદાવાદ : અમદાવાદ શહેર આગામી 2036 માં ઓલિમ્પિક (Olympic) માટે યજમાન બનવા માટે તૈયારી કરી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા તંત્ર કામે લાગ્યું છે. જેને લઈ હવે આસારામ આશ્રમ સહિતની કબજાવાળી 500 કરોડની જમીન ખાલી કરાવાશે. વિગતો મુજબ આસારામ આશ્રમ, સદાશિવ આશ્રમ, ભારતીય સેવા સમાજને 15,778 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારનું આગામી ભવ્ય આયોજન ઓલિમ્પક 2036 છે. જેના માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાઈ છે. ત્યારે આ માટે આસારામ આશ્રમ ઉપરાંત આશ્રમ દ્વારા ગેરકાયદેસર રીતે કબજામાં કરાયેલી 500 કરોડની જમીન માટે સરકારે નોટિસ ફટકારી છે. રાજ્ય સરકાર ઓલિમ્પક વિલેજ માટે જગ્યાની શોધ કરી રહી હતી, ત્યારે સરકારની નજર આ કરોડોની જમીન પર પડી છે. જેને આશ્રમ દ્વારા કબજે કરવામાં આવી છે.
રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સરવેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાને આવ્યું છે. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી છે. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલા રહેણાંક મકાનોને પણ નોટિસ ફટકારી છે. જમીન માટે વણઝારા વાસના 19 મકાન, શિવનગર વસાહતના 126 મકાન, આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞામંડળ અને ભારતીય સેવા સમાજને નોટિસ મોકલાઈ છે.
2036 માં ઓલિમ્પિક રમવા માટે અમદાવાદ યજમાન બનવા માટે તલપાપડ બની રહ્યું છે. માત્ર ઓલિમ્પિક જ નહિ, 2026-2030 ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ, 2030 માં સમર યૂથ ઓલિમ્પિક્સ અને 2033 માં એશિયન યુથ ગેમ્સ માટે પણ અમદાવાદ યજમાન બની શકે છે. આ માટે સરદાર પટેલ સ્પોર્ટસ એન્ક્લેવ અને નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અનેક રમત ગમતના કાર્યક્રમોનું આયોજન કરશે.