અમદાવાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 લગભગ અડધી પૂરી થઈ ગઈ છે. ત્યારે આજે પ્લેઓફ- ફાઈનલ મેચોને લઈને મહત્વની જાહેરાત કરી છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ શનિવારે બેઠક બાદ માહિતી આપી છે કે પ્લેઓફની મેચો કોલકાતા અને અમદાવાદમાં યોજાશે.
અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL ની કવોલિફાયર 2 અને ફાઈનલ મેચ રમાશે. અમદાવાદમાં કવોલીફાયર 2 ની મેચ 27 મેના રોજ જ્યારે ફાઈનલ મેચ 29 મેના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. કોલકાતામાં 24 મેના રોજ કવોલીફાયર 1 અને 26 મેના રોજ એલીમીનેટર મેચ રમાશે.
કવોલીફાયર 1 માં વિજેતા બનનાર ટીમ IPL ની ફાઈનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ એલીમીનેટર મેચ રમાશે, જેમાં વિજેતા બનનાર ટીમને કવોલીફાયર 2 માં પ્રવેશ મળશે. કવોલીફાયર 1 માં હારનાર ટીમ સામે એલીમીનેટરમાં વિજેતા બનનાર ટીમ રમશે અને વિજેતા ટીમ ફાઈનલમાં પહોંચશે.
અમદાવાદમાં રમાનારી ફાઈનલમાં 100 દર્શકોને પ્રવેશ આપવામાં આવશે, જો કે દર્શકોના પ્રવેશ અંગેનો આખરી નિર્ણય જે તે સમયે કોરોનાની પરિસ્થિતિ ઉપર નિર્ભર કરશે.