અમદાવાદ : પ્રિ-પ્રાયમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારે નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ નવી પોલિસી બનાવી છે. જેમાં પ્રિ-પ્રાઇમરી એટલે કે જુનિયર કે.જીથી અને બાલવાટિકા સુધીના વર્ગોને પ્રાથમિક શિક્ષણમાં સમાવી લેવાયા છે તેને સરકારે ગત મહિનામાં ખાનગી પ્રિ-પ્રાયમરી સ્કૂલોના રજીસ્ટ્રેશન મંજૂરી, નામંજૂરી અને રેગ્યુલેશન મોનીટરિંગ માટેનું નોટિફિકેશન કર્યું હતું. જોકે અત્યાર સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ ન હતી, પરંતુ સરકારના નવા ઠરાવ મુજબ પ્રાથમિક શિક્ષણ નિયામકની રેગ્યુલેશન ઓથોરિટીઝ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ રાજ્યના સંચાલકો આ પ્રિ-પ્રાયમરી રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને હાલ પૂરતું નોંધણી ના કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યના ત્રણ મહામંડળો ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વિરોધ કરી રહ્યા છે. આ ત્રણ મંડળોમાં ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ છે. મહામંડળોનું કહેવું છે કે સરકારે અમને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય કર્યો છે. તેમજ શાળાની નોંધણી હોય પરંતુ વર્ગની નોંધણીના હોય તેમ જ વર્ગદીઠ જે 5000 રૂપિયા રજીસ્ટ્રેશન પેટે લેવાની વાત છે તો એક શાળામાં એક વર્ગ ચાલે છે, તો એ શાળાને 5000 ભરવા પડશે પણ ૧૦ વર્ગ ચાલે છે તો 50,000 રૂપિયા ભરવા પડશે. તેથી શાળાની નોંધણી હોય પરંતુ વર્ગોની નોધણી ના હોવા પર તેમનો વિરોધ છે.
મહામંડળના વિરોધનો બીજો મુદ્દો એ છે કે પ્રી-પ્રાઇમરી સ્કૂલ અને બાલમંદિર શાળા મામલે જો 15 વર્ષનો ભાડા કરાર સબ રજીસ્ટ્રાર પાસે નોંધાયેલો હોવો જોઈએ તેવી વાત કરવામાં આવી છે. એવી જૂની શાળાઓ છે જેની પાસે માન્ય પ્રાથમિક શાળાઓ માન્ય માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલે છે તેઓને તો કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય. પરંતુ જેટલા બાલ મંદિરો છે હકીકતમાં તેમાંથી મોટાભાગના બાલ મંદિરો વિધવા કે ત્યક્તા બહેનોએ શરૂ કાર્ય હશે. તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે.કેમ કે કોઈપણ મકાન માલિક 15 વર્ષ માટે સહી સિક્કાના કરી આપે તેવા સંજોગોમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે.
વિરોધની ત્રીજી બાબત એ છે કે રાજ્ય સરકારે મહામંડળો સાથે સલાહ સૂચન ના લેતા તેમને વિશ્વાસમાં લીધા વગર સરકારે આવો નિર્ણય લીધો છે. આ બધા કારણોના લીધે હાલ સંચાલકો રોષે ભરાયા છે અને તેઓ અત્યારે હાલ શરૂ થતી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં હાલ પૂરતું નોંધણી ના કરવા માટે થઈને આદેશ કર્યો છે સંચાલકો સરકાર સાથે આ મુદ્દે બેઠક કરશે અને આ પરિપત્ર ને પાછો ખેંચવા અપીલ કરશે.