અમદાવાદ : શહેરમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે. હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા વેપારીને રોડ પર અકસ્માત કર્યો છે તેવું કહીને બાઇક અને એક્ટિવાચાલકોએ કાર રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર થઈ ગયા હતા. જોકે વેપારીએ તેઓનો પીછો કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લૂંટારાઓ વેપારીના હાથે ન લાગતા અંતે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ દરિયાપુર હાર્ડવેર ટ્રેડિંગની ઓફિસ ધરાવતા પ્રવીણભાઈ પટેલ આર.કે.આંગડિયા પેઢીમાંથી લીધેલ રૂપિયા 26 લાખ 70 હજાર એક બેગમાં મૂકીને બેગ ડ્રાઇવર સીટની બાજુમાં મૂકીને સ્વસ્તિક ચાર રસ્તા નવરંગપુરા ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન હરિઓમ રેસ્ટોરન્ટ પાસે એક્ટિવા ચાલક દ્વારા તેઓને અટકાવીને તમે અમારી એક્ટિવા સાથે ગાડી કેમ અથડાવી તેવું કહીને ઝઘડો કર્યો હતો. અને ઝઘડા દરમિયાન કારમાં મૂકેલી રૂપિયા 26 લાખ 70 હજાર ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયાં હતા.
નવરંગપુરા પોલીસે આ સમગ્ર મામલે લૂંટનો ગુનો દાખલ કરીને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં શંકાસ્પદ આરોપીઓ જોવા મળ્યા હતા..જેથી કરીને આરોપીઓને પકડવા માટે નવરંગપુરા પોલીસે તપાસ તેજ કરી છે.