અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે જટીલ બનતી જઈ રહી છે. જેને પહોંચી વળવા માટે શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રયાસના ભાગરૂપે શહેરમાં અંડર બ્રિજ અને ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદને બે અંડરબ્રિજની ભેટ મળવાની છે.શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર રેલવે અંડરબ્રિજ અને એસપી રીંગ રોડ પર મહંમદપુરા અંડરબ્રિજનું આગામી દિવસોમાં લોકાર્પણ થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદીઓને આગામી દિવસોમાં બે અંડરપાસની ભેટ મળશે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે રેલવે અંડરબ્રિજ 500 મીટર લાંબો અને આરસીસીનો બનાવવામાં આવેલો છે. લોકોની અવરજવર માટે સાઈડમાં વોક-વે પણ બનાવવામાં આવેલો છે. જલારામ મંદિર રેલવે અંડરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 4 માર્ચના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ લો ગાર્ડન, નવરંગપુરા, ઇન્કમટેક્સ તરફથી જે લોકોને પાલડી અને પૂર્વ વિસ્તાર તરફ જવું હશે, તેના માટે અવરજવરમાં સરળતા રહેશે. રોજના એક લાખ લોકોને આ બ્રિજના કારણે ફાયદો થશે.
રેલવે લાઈન અને મેટ્રો પ્રોજેક્ટના પગલે અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રેલવે અંડરબ્રિજ બનાવવા માટે થઈને અનેક વિવાદ સામે આવ્યા હતા. સ્થાનિકો દ્વારા અને ત્યારબાદ વહીવટી તંત્ર વચ્ચે બ્રિજ બનાવવા મામલે વિવાદો થયા હતા. જલારામ મંદિર પાસે મેટ્રો રેલ અને રેલવે લાઈન બંને એકસાથે પસાર થતી હોવાથી કોણ અંડરબ્રિજ બનાવશે? તે અંગે વિવાદ થયો હતો. જોકે, છેવટે મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા આ અંડરબ્રિજ બનાવવા સહમતિ દર્શાવવામાં આવી હતી.
એસપી રીંગ રોડ પર મહંમદપુરા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજની કામગીરી 95 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર કલર અને નાના સિવિલ કામ બાકી છે, જે આગામી 10 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે. આ સાથે જ 10 થી 12 માર્ચની આસપાસ લોકાર્પણ થવાની શક્યતા છે. જે લોકો એસજી હાઇવેથી સાઉથ બોપલ અને છેલ્લા તરફ જવા માંગતા હોય તેમને ખૂબ જ સરળતા રહેશે. એસપી રીંગ રોડ ઉપર મહંમદપુરા અંડરબ્રિજ બની જવાના કારણે એસજી હાઇવેથી જે લોકોને બોપલ સાઉથ બોપલ અને શેલા તરફ જવું હોય તેઓને ફાયદો થશે.