અમદાવાદ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જે આજે બુધવારે મોડી રાત સુધી દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યા હતા. લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ લાંબા કાનૂની જંગ બાદ આખરે ચુકાદો કલેકટરની તરફેણમાં આવતાં લાંબા સમયથી ઊભા થયેલા 22 જેટલાં પાકાં મકાન અને 100 ઝૂંપડાને તોડી પડાયાં છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઘાટલોડિયામાં કલેક્ટરના 13272 ચો.મી.ના રિઝર્વ પ્લોટમાં 22 પાકાં મકાન અને ઝૂંપડાં ઊભાં થયાં હતાં. આ મકાનો ખાલી કરવા માટે અપાયેલી નોટિસ બાદ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. દરમિયાન આ મામલે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પણ ફરિયાદ થઈ હતી, જે કેસ પૂર્ણ થતાં કલેક્ટર દ્વારા મ્યુનિ.ની સહાયથી આ પ્લોટ ખાલી કરાવવા માટે મોટી સંખ્યામાં કાફલાએ પહોંચી ડિમોલિશન કર્યું હતું.હવે આ સ્થળે પાણીની ટાંકી ઊભી કરવામાં આવશે, જેથી આસપાસના રહીશોને પાણી પુરવઠો યોગ્ય માત્રામાં મળી રહે.