અમદાવાદ : તાજેતરમાં નાગરિક સેવા સંગઠનના અગ્રણીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડની રિડેવલપમેન્ટ પોલીસી 2016 મુજબ ગુજરાતની હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં જે રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે પરંતુ રિડેવલપમેન્ટ પોલીસીની ખામીઓના કારણે રિડેવલપમેન્ટમાં મોટાભાગની સોસાયટીઓમાં અડચણો આવી રહી છે. આથી હાઉસિંગ વિવિધ પ્રશ્નો લઈને 18 મુદ્દાઓ સાથેનું એક આવેદનપત્ર આપવામાં આવી રજૂઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નાગરિક સેવા સંગઠનના અગ્રણી વિનોદભાઈ ચૌહાણે આવેદનપત્ર અંગે જણાવ્યુ હતુ કે, જેઓએ પેનલ્ટી માફીનો લાભ લઈ દસ્તાવેજ માટેની અરજીઓ કરી છે એમને નવા પરિપત્ર મુજબ લાભ આપી રિફંડ આપવામાં આવે તેમજ જેઓની સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જનાર છે એ સોસાયટીઓના રહીશોને વધારાના બાંધકામની ફી ન લેતા 300 રુ.ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી લેવામાં આવે કે રિડેવલપમેન્ટમાં સંમતી ના આપુ તો આપેલ સોગંદનામાને સંમતીકરાર ગણવામાં આવે. આ સિવાય જેમના દસ્તાવેજ રહી જાય અને એમની સોસાયટી રિડેવલોપમેન્ટમાં જાયતો એમની પાસેથી 300 રુ.ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરાવવામા આવે કે,જ્યારે રિડેવલપમેન્ટમાં નવુ મળશે ત્યારે દસ્તાવેજ કરાવીને પઝેશન લેશે. આ ઉપરાંત રિડેવલપમેન્ટ માટે બિલ્ડરો પાસેથી ભાડાની તથા બાંધકામ અધુરુ છોડીને બિલ્ડર જતા ના રહે તો મકાનો બનાવવા માટે LIGમાં 10 લાખ, MIGમાં 15 લાખ તથા HIGમાં 20 લાખ રુ.ની બેંક ગેરંટી લેવામાં આવે.
રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં રિડેવલપમેન્ટ પોલીસી મુજબ હાલમા કાર્પેટના મહતમ 40% મોટા મકાનો મળે છે જેનાથી દરેક સોસાયટીઓમાં ઘર નાના મળે છે એની ફરિયાદ ઉઠે છે એના નિવારણ માટે નવા મકાનો રેરા કાર્પેટના લઘુતમ 60% અથવા બિલ્ટ અપના 50% મોટા મકાનો બનાવવાની રજુઆત કરવામાં આવી હતી (તેમજ હાલમાં બિલ્ડરો હાલના હયાત કાર્પેટને રેરા કાર્પેટમાં ખપાવીને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પાસેથી NOC લઇને નકશાઓ પાસ કરીને ખુલ્લેઆમ કાર્પેટમાં ચોરી કરી રહ્યા છે આ અંગે હાઉસિંગ કમિશ્નરનું ધ્યાન દોરવામાં આવ્યુ હતું તથા તમામ દોષિતો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઉસિંગ બોર્ડ માઇનસમાં ટેન્ડરો સ્વીકારીને સરકારની તિજોરીને કરોડો રુપીયાનું નુકસાન કરાવી રહી છે એના સમાધાનમાં સુજાવ આપવા આવ્યો હતો કે, દરેક સોસાયટીઓ દીઠ બિલ્ડર જેટલી જમીન રિડેવલપમેન્ટમાં વાપરે એના જંત્રીના 50% રકમ સરકારની તિજોરીમાં જમા કરાવે તથા 50% રકમ સોસાયટીઓના રહીશોને આપે જેની સામે હાઉસિંગ બોર્ડ બિલ્ડરને એટલી જ રકમનો ટીડીઆર આપે અને એ ટીડીઆર બિલ્ડરને આખા ગુજરાતમાં ગમે ત્યાં વાપરી શકવાની પરવાનગી આપે. એનાથી શહેરની અંદરની સોસાયટીઓ તથા નાના શહેરોની સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં સારામા સારા બિલ્ડરો રસ દાખવશે.
આ સિવાય, નડીયાદ ખાતે આવેલ હાઉસિંગ બોર્ડની પ્રગતિનગર, પુનીતનગરના નવસો રહીશોને તાત્કાલિક 5000 રુ લેખે ભાડુ 2019 થી ચુકવવામાં આવે તેમજ બિલ્ડરને તાત્કાલિક અસરથી બ્લેક લીસ્ટ કરીને નવા મકાનો વહેલામાં વહેલી તકે હાઉસિંગ બોર્ડ બનાવીને આપે એવી રજુઆત કરવામાં આવી હતી. તાજેતરમાં 120 ઉપરાંત જે ટેન્ડરો બહાર પડ્યા છે એમાં થયેલ ધાંધલી અંગે પણ રજુઆત કરી હતી અને દોષીત અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી સાથે સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડની અમદાવાદની ઓફીસમાં 3 વર્ષ થી ઉપરાંત 38 જેટલા અધિકારીઓ નોકરી કરી રહ્યા છે એમની તાત્કાલિક બદલીઓ કરવાની પણ માંગણી પણ આવેદનમાં કરવામાં આવી હતી.
વધુમા કન્વીયન્સ ડીડના પેરા 7 સીમાં જણાવ્યા મુજબ દરેક સોસાયટીઓને લીઝડીડ કરી આપવામાં આવે તથા ફ્રી હોલ્ડમાં એકવડી જંત્રીની જગ્યાએ બીજા રાજ્યોની જેમ જંત્રીના 5 થી 10% ની રકમ લઈ ફ્રી હોલ્ડ કરી આપવામા આવે.ગુજરાતમાં GIDC એમની ઔધોગિક જમીનો રહેણાંકમાં હેતુફેર કરીને જંત્રીના 30% રકમ લઈને ફ્રી હોલ્ડ કરી આપે છે. એક જ રાજ્યમાં ફ્રી હોલ્ડ અંગે અલગ અલગ નિયમ કેવી રીતે હોઇ શકે? તથા સરકારના ફરજીયાત ફ્રી હોલ્ડના પરિપત્ર ને રદ કરવામાં આવે જેથી લીઝડીડ ધરાવતા રોહાઉસ અને બંગલાઓ ધરાવતા લોકો એમના જર્જરીત મકાનો તોડીને નવા મકાનો બનાવી શકે.
અંતમા નાગરિક સેવા સંગઠનના અગ્રણીઓ વિનોદભાઈ ચૌહાણ, અલ્કેશભાઇ ચૌહાણ, ગોરધનભાઈ પટેલ, દીવ્યાંગભાઇ અમીન, ભુપેન્દ્રભાઇ, અમરતભાઇ, જતીનભાઇ શાહ, હીતેનભાઇ શાહ, મહેન્દ્રભાઇ શાહ, અશોકભાઈ કામદાર, આલ્ફ્રેડભાઇ, દીપકભાઇ બારોટ, મુકેશભાઈ શાહ, નિકુલ પટેલ, દીવ્યેશભાઇ તથા અન્ય કોર કમિટીના સભ્યોએ એકઠા થઈ દસ્તાવેજ તથા વધારાના બાંધકામ માટે વનટાઇમ સેટલમેન્ટ સ્કીમ માટે હાઉસિંગ કમિશ્નર વસાવા સાહેબનો આભાર માન્યો હતો, આ બધા મુદ્દાઓનું સત્વરે નિરાકરણ લાવવાની હાઉસિંગ કમિશ્નરે પણ હૈયાધારણ આપી હતી.