અમદાવાદ : કલીન એનર્જી-ગ્રીન એનર્જી પોલીસી હેઠળ અમદાવાદમાં મહત્તમ લોકો સોલાર રુફટોપ સિસ્ટમ અપનાવે એ માટે આ વર્ષે એક વર્ષ માટે સ્વતંત્ર રહેણાંક, બંગલોમાં એક કીલોવોટ સુધીની ક્ષમતા સાથે સોલારરુફટોપ સિસ્ટમ નંખાવનારા કરદાતાઓને પ્રોપર્ટી ટેકસમાં દસ ટકા રાહત અપાશે. એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ તથા સ્કૂલ, કોલેજોને ત્રણ ટકા તેમજ ફલેટ તેમજ એપાર્ટમેન્ટમાં વોર્ડ કક્ષાએ ઈનામ કે ઈન્સેન્ટીવ આપવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સ્વતંત્ર બંગલો ધરાવતાં રહેણાંક મકાનોમાં પ્રોપર્ટી ટેકસમાં 10 ટકા રાહત આપવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે, સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી વગેરેને 3 ટકા રાહત આપવામાં આવશે. બંનેમાં સોલાર રૂફટોપ ઇન્સેન્ટિવ સ્કીમની શરતો પૂર્ણ થાય તો જ આ રાહત આપવામાં આવશે. આ ઉપરાંત ફલેટ જેવા ગ્રુપ હાઉસીંગ માટે વોર્ડ કક્ષાએ ઇનામ ઇન્સેન્ટિવ આપવામા આવશે.
સોલાર પોલિસી અંતર્ગત ટેક્સમાં રાહત મેળવવા શું-શું જોઈએ.
– સોલાર પેનલની ખરીદીનું બિલ
– સોલાર સિસ્ટમ લગાવ્યા પહેલા અને પછીના લાઈટ બિલની કોપી
– સોલાર મીટર ઈન્સ્ટોલેશન રિપોર્ટની કોપી
– રહેઠાણની મિલકત માટે જોઈન્ટ ઈન્સપેક્શનનાં રિપોર્ટની કોપી
– શૈક્ષણિક સંસ્થાઓ માટે સર્ટિફિકેટ, સ્થળ ફોટો અને સ્થળ તપાસનો રિપોર્ટ