અમદાવાદ : ઉનાળો શરૂ થઈ ગયો છે. તેમાં પણ આ ઉનાળો આકરો બની રહેવાનો છે. આવામાં AMCની મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરમાં બે દિવસ યલો એલર્ટ જાહેર થવા સાથે કોર્પોરેશને ગુરુવારે હીટ એક્શન પ્લાન જાહેર કર્યો હતો. પ્લાન મુજબ BRTS ના તમામ તેમજ AMTS ના મોટાભાગનાં બસ સ્ટેન્ડ પરથી લોકોને ORS ના પેકેટ મળી રહેશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને ORS ના 50 હજાર પેકેટ પૂરાં પાડવામાં આવશે. મ્યુનિ.એ શહેરના તમામ ગાર્ડન રાત્રે 11 સુધી ખુલ્લા રાખવાનો અને ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાનો પણ નિર્ણય લીધો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આગામી ઉનાળા અને તેને આનુષંગિક કામગીરી અંગે એએમસી દ્વારા હિટ એક્શન પ્લાનનું આયોજન કરાયું છે.અમદાવાદના તમામ AMTS અને BRTS બસ સેન્ટર પર ors ના પાઉચ પુરા પાડવામાં આવશે. મ્યુનિ. હોસ્પિટલો તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ગરમીને કારણે થતી બીમારીની સારવાર માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોર્પોરેશને બહાર પાડેલી એડવાઈઝરીમાં લોકોને જરૂર ન હોય તો બપોરે બહાર નીકળવાનું ટાળવાની, વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની તેમજ હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપી છે.