અમદાવાદ : અમદાવાદ શહેરમાં અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ અથોરીટી– AUDAએ તૈયાર કરેલો સાયન્સ સીટી અન્ડરપાસ લોકાર્પણ વગર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. રિંગરોડ પર સાયન્સ સિટી ચાર રસ્તા પાસે AUDA દ્વારા 73.38 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજને વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોને સાયન્સ સિટીથી ભાડજ તરફ જવા માટે આ અંડરબ્રિજ ખૂબ ઉપયોગી બનશે. બંને તરફ અવર-જવરથી આશરે રોજના 50 હજાર જેટલા નાગરિકોને ફાયદો થશે.ચૂંટણીની આચારસંહિતા ચાલતી હોવાથી લોકાર્પણ વિના તે શરૂ થઈ ગયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ટ્રાફિકની સમસ્યાને જોતા AUDA દ્વારા સાયન્સ સીટી જંકશન ખાતે થ્રી લેયર જંક્શન ડેવલપમેન્ટનું આયોજન કરેલ હતું. જેમાં સરદાર પટેલ રિંગ રોડ ઉપર ફ્લાય ઓવરની કામગીરી, સાયન્સ સીટી જંકશન ઉપર અંડરપાસની કામગીરી તથા ગ્રાઉન્ડ લેવલ ઉપર રોટરી બનાવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે ફ્લાયઓવર બ્રીજની કામગીરી ઓગસ્ટ-2022 માં પૂર્ણ કરવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણી જાહેર થાય તેની પહેલા જ આ અંડરબ્રિજ શરૂ કરવામાં આવનાર હતો. જો કે, કલરકામ તેમજ અન્ય નાની-મોટી કામગીરી બાકી હોવાના કારણે બ્રિજ નાગરિકો માટે ખુલ્લો મૂકી શકાયો નહોતો. હવે અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ જતા વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. બંને તરફ અવર-જવરથી આશરે રોજના 50 હજાર જેટલા નાગરિકોને ફાયદો થશે.
AUDAએ તૈયાર કરેલા સાયન્સ સીટી અન્ડરપાસની લંબાઈ 534 મીટર, પહોળાઈ 19.20 મીટર છે. આ અંડર પાસને કારણે સોલાથી ભાડજ તથા રીંગરોડ પર શીલજ સર્કલથી ઓગણજ સર્કલ તરફના વાહનચાલકોને ફાયદો થશે.