અમદાવાદ : અમદાવાદના ગોતા વિસ્તારમાં સીલ્વર ઓક યુનિવર્સિટીની નજીક આવેલા મેલડી એસ્ટેટ વિસ્તારમાં એક કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મોડી રાત્રે પ્લાસ્ટીકના કારખાનામાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી હતી.આગની ઘટનાને પગલે 26 ફાયર ફાઈટરોની ગાડીએ આગને કાબૂમાં લીધી હતી કારખામાં ભારે નુકસાન થયું હતું. બીજી તરફ એક કાર બળીને ખાખ થઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોડી રાત્રે ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલા એસ્ટેટમાં આગ લાગી હતી. જેને લઈ ફાયર બ્રિગેડની ટીમો રવાના કરવામાં આવી હતી. ચેહર એસ્ટેટના પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ શરૂ થઈ હતી અને જોત જોતામાં દસ મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. થોડીવારમાં જ આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું. ફાયર બ્રિગેડની એક બાદ એક કુલ 26 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.6 કલાકની ભારે જહેમત બાદ વહેલી સવારે 7:30 વાગ્યે આગ કાબૂમાં લેવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે ગોતામાં ચેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉન હતા અને તેમાં આગ લાગવાના કારણે ખૂબ મોટું નુકસાન થયું હતું. વધુમાં એક કાર બળીને ખાખ થઈ હતી. એસ્ટેટમાં માત્ર ફાયર એક્ઝિગ્યુશન જ હતાં. અન્ય કોઈ ફાયર સિસ્ટમ હતી નહીં.દૂર દૂર સુધી ધુમાડા અને આગની જ્વાળાઓ દેખાતી હતી.