અમદાવાદ: PM નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાનું આહવાન કર્યુ છે ત્યારે આ આહવાનને ભારતની ગરીબમાં ગરીબ પ્રજા પણ સ્વીકારવા માંડી છે પણ સરકારી તંત્રો તેને સ્વીકારવામાં કેટલા પાછળ છે તેનો ઉત્તમ નમૂનો રેલ્વેએ પૂરો પાડ્યો છે.રેલ્વે મંત્રાલય દ્વારા અમદાવાદના રેલ્વે મંડળ દ્વારા ટિકિટના ભાડાં માટે QR કોડની સગવડ શરૂ કરવામાં આવી છે. તેના લીધે ડિજિટલ પેમેન્ટ્સને વેગ મળશે અને મુસાફરોને પણ છૂટા રૂપિયામાંથી રાહત મળશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા શરૂ કરવામાં આવી છે. નવી પહેલ હેઠળ અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેલવે મુસાફરોને હવે ટિકિટ ભાડાનું પેમેન્ટ કરવા માટે UTS મોબાઈલ એપ, ATVM (QR કોડ ની સુવિધા સાથે), POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો મળી રહેશે. અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અમદાવાદ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 4 કાઉન્ટર અને ગાંધીધામ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 3 કાઉન્ટર પર આ સુવિધાનો લાભ મુસાફરો લઈ શકશે.
આ ઉપરાંત ગાંધીધામની અનારક્ષિત કાર્યાલયમાં પણ 2 કાઉન્ટરો પર આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. મુસાફરોને વધુ લાભ આપવા માટે આ સુવિધા ભવિષ્યમાં વધુ સ્ટેશનો સુધી લંબાવી શકાય છે.