અમદાવાદ : અમદાવાદના શેલામાં રહેતા ગૌરાંગ રાવલે જાણીતા ક્લબ ઓ-7માં આવેલી ક્યુબ લોન્જ નામની રેસ્ટોરાં સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદમાં રૂ.30 લાખ રૂપિયાનો દાવો માંડ્યો છે. હકીકતમાં વ્યાનધમ ગ્રુપ દ્વારા સંચાલિત આ રેસ્ટોરાંએ ગંભીર બેદરકારી દાખવીને બ્રાહ્મણ પરિવારને નોન-વેજ ખોરાક પિરસીને તેમની ધાર્મિક સંવેદના અને સ્વાસ્થ સાથે ક્રૂર મજાક કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ ગત 7 માર્ચના રોજ રેસ્ટોરાંમાં જમવા ગયા હતા. જ્યાં તેમને વેઇટરને 1 વેજ મખ્ખનવાલા, 3 બટર રોટી, 1 દાલફ્રાય, 2 ફ્રાય પાપડ અને 2 છાશનો ઓર્ડર કર્યો હતો. 15 મિનિટ બાદ વેઇટરે ઓર્ડર સર્વ કર્યો હતો. પરંતુ તેમાં વેજ મખ્ખનવાલાનું શાક દેખીતી રીતે હોવું જોઈએ તેવું લાગતું નહોતું. આથી ગ્રાહકે વેઇટરને અને શેફને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, આ શાક વેજ મખ્ખનવાલા જ છે.
ગ્રાહકે પોતાના બહેન અને બનેવી સાથે ખાવાનું શરૂ કરતાં તેને કાઈ અજુગતું લાગ્યું હતું. તેને એવો અંદેશો આવી ગયો હતો કે, આ માંસાહારી ખોરાક છે. તેને વેઇટર અને શેફને આ અંગે પૂછતાં તેઓ તે વાત માનવા તૈયાર નહોતા. જો કે, પાછળથી એક શેફે સ્વીકાર્યું હતું કે, આ વેજ મખ્ખનવાલા નહીં પણ મુર્ગ મખ્ખનવાલા છે, એટલે કે ચિકનની માંસાહારી વસ્તુ છે. ગ્રાહક અને તેના બહેન બનેવી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમજ ચુસ્ત શાકાહારી છે. તેમને જીવનમાં કદી માંસાહાર કર્યો નથી.
સંપૂર્ણ શાકાહારી બ્રહ્મ પરિવાર આ ઘટનાથી આઘાત પામ્યો હતો અને તાત્કાલિક ક્ષણે આ બાબત ગૌરાંગ રાવલે મેનેજમેન્ટને જણાવી હતી. પરંતુ મેનેજમેન્ટ આ બાબત ખુબ જ સામાન્ય ગણાવી હતી. આટલું જ નહીં ઘટના બાદથી ગૌરાંગ રાવલથી નારાજ થઈને તેમના બહેન અને બનેવી જતા રહ્યા અને તેમની સાથે બોલવાનું પણ બંધ કરી દીધું. રેસ્ટોરાંની ગંભીર બેદરકારીના કારણે ભાઈ-બહેનના સંબંધમાં તિરાડ પડી ગઈ.
આ ઘટના અંગે 30 લાખ રૂપિયાનું વળતર મેળવવા અને જાહેરમાં માફી માંગવા ગ્રાહકે રેસ્ટોરાંને લીગલ નોટિસ મોકલી હતી. જેમાં જણાવાયું હતું કે, 15 દિવસમાં જો તે આ નોટિસ સંદર્ભે કાર્યવાહી નહીં કરે તો ગ્રાહક રેસ્ટોરાં સામે કેસ કરશે. જો કે, 20 દિવસ ઉપરનો સમય વિતી ગયો હોવા છતાં રેસ્ટોરાં તરફથી કોઈ જવાબ ના મળતા ગ્રાહકે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેસ્ટોરાં સામે 30 લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે એવું મીડિયા રિપોર્ટ જણાવી રહ્યા છે.