અમદાવાદ : અમદાવાદમાં કાળજાળ ગરમીના સાથે સાથે હવે સ્વાઇન ફ્લૂનો પણ કહેર પણ શહેરમાં ફેલાયો છે. અમદાવાદીઓ માટે હવે ચેતવણી સમાન સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ બાદ હવે સ્વાઇન ફ્લૂ વાયરસ શહેરમાં પગપેસારો કરી રહ્યો છે. શહેરમાં આરોગ્ય તંત્ર માટે લાલબત્તી સમાન એવા સ્વાઇન ફ્લૂના આંકડાઓ સામે આવી રહ્યા છે, વધુમાં ચિંતાજનક બાબત એ છે કે સ્વાઇન ફ્લૂના સાથે સાથે પાણીજન્ય રોગ જેવા કે કમળા, ટાઈફોડ અને કોલેરાના પણ કેસોમાં પણ ધીરે ધીરે વધારો થતો જઈ રહ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં સ્વાઈન ફ્લુના કેસોનો વધારો થયો છે. એપ્રિલ મહિનામાં 6 દિવસમાં 49 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધારે શહેરના પશ્ચિમ ઝોનમાં 17 જેટલા કેસ સામે આવ્યા છે. માર્ચ મહિનામાં સ્વાઈન ફ્લૂના 232 કેસો નોંધાયા છે. છેલ્લા સાત દિવસમાં સ્વાઈન ફ્લૂના 60 જેટલા કેસો નોંધાયા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ઝાડા ઉલટી અને ટાઈફોડના કેસમાં વધારો થયો છે.
આમ સ્વાઇન ફ્લૂમાં થઈ રહેલ વધારો હવે શહેરીજનો અને આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે, સ્વાઇન ફ્લૂ ઉપરાંત પાણીજન્ય રોગના કેસમાં પણ હવે વધારો નોંધાયો છે. છેલ્લા 7 દિવસમાં ઝાડા ઉલટીના 331 નોંધાયા છે. તેટલું જ નહીં કમળાના 46, ટાઈફોડ 68 અને કોલેરા 3 કેસ નોંધાયા છે. હવે શહેરજનો માટે આ એક ચિંતાનો વિષય બન્યું છે.