અમદાવાદ : અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની કથિત બેદરકારી સામે આવી છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.આ ઘટના શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોકા કાફેની છે. યુવતી પરિવાર સાથે મોકા કાફેમાં જમવા ગયાં હતાં. જ્યાં તેમણે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેની જગ્યાએ તેમને નોનવેજ પેટીસ વાળો બર્ગર પીરસી દેવામાં આવતાં હોબાળો મચી ગયો હતો.જેથી ગ્રાહકે આ સમગ્ર ઘટના અંગે AMCને ફરિયાદ કરી હતી.આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા તેઓએ માત્ર રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોકા કાફેમાં એક યુવતી તેની મિત્ર સાથે જમવા ગઇ હતી. વેજીટેબલ પેટીસ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. યુવતીએ જમવાનું શરૂ કર્યું, ત્યારે જમવાનું શંકાસ્પદ લાગ્યું હતું. શંકાસ્પદ જમવાનું ચેક કરતાની સાથે જ તેના હોશ ઊડી ગયા હતા. કારણ કે, અંદરથી ચિકન નીકળ્યું હતું. આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું હતું. પરંતુ કોઈ જવાબ આપ્યો નહોતો. યુવતીના કહેવા પ્રમાણે ઉલ્ટાનું તેણે ચિકન બર્ગરની પ્લેટ ગ્રાહકને ખાવા માટે પાછી મોકલી હતી. જે બાદ યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતાં મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી.
View this post on Instagram
યુવતીએ જ્યારે વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યુ ત્યાં સુધીમાં મેનેજરે નોનવેજ બર્ગરની પ્લેટ સગેવગે કરી દીધી હતી. જ્યારે યુવતીએ ડસ્ટબિનમાં નાંખેલી તે પ્લેટ પાછી માગી ત્યારે મેનેજરે કહ્યું કે, ડસ્ટબિન પણ ફેંકી દેવામાં આવ્યું છે. આ રીતે વેજના બદલે નોનવેજ પીરસવામાં આવ્યું હોવાના પુરાવા સગેવગે કરીને મેનેજરે ગોળગોળ વાતો કરી હતી.
આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં તપાસ કરી માત્ર રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવેલી આ ભૂલના કારણે યુવતીઓને નોનવેજ બર્ગર ખાવું પડ્યું હતું.
આ અગાઉ પણ અમદાવાદની ક્લબ O7ની રેસ્ટોરાંએ બ્રાહ્મણ ફેમિલીને નોનવેજ પીરસ્યું હતું. તેમને શાકાહારીને વેજને બદલે મુર્ગ મખ્ખનવાલા જમાડ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ આશ્રમરોડ ઉપર આવેલી ફેરફીલ્ડ બાય મેરીયોટ હોટલના સુપમાંથી જીવાત નીકળતા ગ્રાહકે એએમસીના ફુડ વિભાગને ફરિયાદ કરી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ AMCના ફુડ વિભાગે હોટલને કલોઝર નોટિસ આપી કીચનને સીલ કર્યુ હતુ.