અમદાવાદ : અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું તો ઉમેરાયું છે. અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડી રહી છે, ત્યારે મુસાફરોનો પ્રતિભાવ જોઈને તંત્રએ અમદાવાદમાં વધુ ત્રણ રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. AMTS લાલ દરવાજાથી બોપલ સહિતના રૂટ પર હવે ડબલ ડેકર બસ દોડાવશે. આ સાથે જ શહેરમાં કુલ સાત રૂટ પર બે માળની બસ દોડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરમાં ડબલ ડેકર બસો ચલાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વાસણાથી ચાંદખેડા, લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંભા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી એમ ચાર રૂટ ઉપર ડબલ ડેકર એસી બસ દોડી રહી છે. હવે વધુ ત્રણ નવા રૂટનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લાલ દરવાજાથી બોપલ વકીલ સાહેબ બ્રિજ, ઇસનપુરથી રાણીપ અને લાલ દરવાજાથી વસ્ત્રાલ રૂટ ઉપર બસો જશે. ત્રણ નવા રૂટનો સમાવેશ કરવામાં આવતા હવે શહેરીજનોને AMTS એસી બસનો વધુ લાભ મળશે.
ત્રણ નવા રૂટમાં લાલ દરવાજાથી બોપલ વકીલ સાહેબ બ્રિજ સુધી બસ દોડશે. જેનાથી એસજી હાઇવે ઉપર જનારા લોકોને ફાયદો થશે. જ્યારે પૂર્વ વિસ્તારમાં જવા માટે ઇસનપુર અને વસ્ત્રાલના રૂટની શરૂઆત કરવામાં આવી છે. આ અગાઉ આશ્રમ રોડ પરના વાસણાથી ચાંદખેડા રૂટની ડબલ ડેકર એસી બસની શરૂઆત કરવામાં આવી છે. બાદમાં લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંભા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધીની ડબલ ડેકર એસી બસો શરૂ કરાઇ છે.