અમદાવાદ : જેમ જેમ લોક્સભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ બુટલેગરો પણ બેફામ બન્યા છે. સ્ટેટ મોનિયરીંગ સેલ (SMC)ના અધિકારીઓ માહિતીને આધારે ગાંધીનગર જીલ્લાના અડાલજ સ્થિત એક ગોડાઉન પાસેથી શંકાસ્પદ કાર અટકાવી હતી. કારમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે છ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ સંદર્ભે પાંચ શખસો વિરૂધ્ધ ગુનો નોંધી તેમની શોધ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ SMCના અધિકારીઓએ માહિતીને આધારે જાળ બિછાવીને અડાલજના મહેસાણા-અમદાવાદ હાઈવે પરના ઉવારસદ જવાના રોડ પરના ગાયત્રી ગોડાઉન આગળથી કારમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે રૂ.1,05,300 નો વિદેશી દારૂ, કાર વગેરે મળીને કુલ રૂ. 6,05,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જોકે આરોપીઓ કાર મુકીને ફરાર થઈ ગયા હતા.
આ કેસમાં પોલીસે સ્વિફ્ટ કારના ચાલક, ક્લિનર ઉપરાંત દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.